મહાસંમેલન:દશેરાએ શસ્ત્ર પૂજામાં 5 હજાર તલવારનું પૂજન કરી રાજપૂત યુવાનોને અર્પણ કરાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીના ચામુંડા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. - Divya Bhaskar
સાવલીના ચામુંડા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું.
  • ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનના આયોજનના ભાગરૂપે સાવલીમાં મહાસંમેલન યોજાયું
  • મોટી​​​​​​​ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા : બારોટ-ક્ષત્રિય સમાજ સદીઓથી સાથે છે : ઇનામદાર

દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનના કાર્યક્રમના ભાગરૂપે સાવલી ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં 10 હજારથી વધુ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા. સમાજના આગેવાનો અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા દશેરા નિમિત્તે પોઈચા ચોકડી પાસે આવેલા મેદાનમાં શસ્ત્ર પૂજાના આયોજનની જાહેરાત કરાઈ હતી. જ્યારે ક્ષત્રિય સમાજમાં શક્તિનું પ્રતીક ગણાતી 5 હજાર તલવારો શસ્ત્ર પૂજામાં મૂકાશે, જેમાં 5 હજાર રાજપૂત-ક્ષત્રિય યુવાનો માથે સાફો બાંધીને ભાગ લેશે. શસ્ત્ર પૂજા બાદ તલવારો યુવાનોને અર્પણ કરાશે.

સાવલી તાલુકો ક્ષત્રિય સમાજની બહુમતી અને પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તેવામાં દશેરા પર્વની ઉજવણી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમની જાહેરાતે ચર્ચા જગાવી છે. મહાસંમેલનમાં હાજર ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, પ્રતિ વર્ષ ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિના પ્રતીક તલવાર સહિતના શસ્ત્રોની પૂજા કરાતી હોય છે. ચાલુ વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન સાવલીના પોઈચા ચોકડી પાસે મેદાનમાં કરાશે. જેના આયોજનની તૈયારી રૂપે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંમેલનનું આયોજન કર્યું હતું.

સાવલી રોડના ચામુંડા ફાર્મ ખાતે યોજાયેલા સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે ક્ષત્રિય સમાજના બલિદાન અને ત્યાગનો ઉલ્લેખ કરીને દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવી હતી. બારોટ સમાજ અને ક્ષત્રિય સમાજ સદીઓથી સાથે જ છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે લોક સાહિત્યકાર વિજય ગઢવી અને લોકગાયક વનરાવન ભુવાજી કમલેશભાઈએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.

મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણી હોદ્દેદારો વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મોહનસિંહ પરમાર, ભાજપ જિલ્લા મહામંત્રી નટવરસિંહ, ભાદરવા સ્ટેટ રાજવી ઠાકોર સાહેબ, ભાજપ તાલુકા પ્રમુખ મહિપતસિંહ રાણા, ડેસર તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજી, ધનતેજ જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર, ભાદરવા જિલ્લા પંચાયત સદસ્ય ગાયત્રીબા સહિત અન્ય સમાજના પણ ભાજપ કાર્યકરો હોદ્દેદારો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...