વડોદરામાં ગોત્રી વિસ્તારમાં દૂધ વિતરક પિતા-પુત્રએ વૃદ્ધ મહિલા પાસે ઉછીના લીધેલા 6.10 લાખની રકમ પરત ચૂકવ્યા નહોતા. જેથી વૃદ્ધાએ પિતા-પુત્ર વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 81 વર્ષીય વિધવા ધીરજબેન બારાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2017થી પાદરાના સાગમાં ગામે રહેતા નરેન્દ્ર પટેલ દૂધ આપવા માટે આવતા હતા. વર્ષ 2019 દરમિયાન તેમણે પોતાના દીકરા જયદીપના લગ્ન માટે ઉછીના 5 લાખ રૂપિયાની માંગણી કરતા 6.03 લાખ આપ્યા હતા. જે રકમ પોતાની ગૌશાળા થકી દૂધના ધંધામાંથી ટુકડે-ટુકડે 6 મહિનામાં ચૂકવવાની ખાતરી આપી હતી. સાથે અમારું જૂનું ફર્નિચર 10 હજારમાં નરેન્દ્ર પટેલને આપ્યું હતું. જે પૈકી 6.10 લાખની રકમ આજ દિન સુધી પરત નહીં આપતા જનસંપર્ક મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી આપી હતી.
પિતા-પુત્રએ લગ્નના બહાને રોકડા રૂપિયા તથા ફર્નિચરના 6.10 લાખ લીધા બાદ અવારનવાર માગણી છતાં રકમ પરત નહીં આપતાં આખરે તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.