વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે કે, એક વૃદ્ધ મહિલા રસ્તા પર પડી ગયેલાં છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. આ સાથે મોં દ્વારા પણ મહિલાને ઈજાઓ પહોંચાડી રહી છે. સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેન પરમાર મોતને ભેટ્યાં હતાં.
ઢોરવાડા પાસેથી પસાર થતાં જ હુમલો
વડોદરામાં રખડતા ઢોરના હુમલાના બનાવો વાંરવાર બની રહ્યા છે. આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ હાઉસિંગના મકાનોમાં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીના મકાન પાસે જ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થતાં જ એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતા તેઓ જમીન પર પટકાઇ ગયા હતા અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી. પરંતુ વૃદ્ઘાને કોઇ બચાવી ન શક્યું અને બચાવો બચાવોની બૂમો પાડતા ગંગાબેનનું કરુણ મોત થયું.
આ પણ વાંચોઃ-આ જ જગ્યાએ મારા પુત્ર પર પણ ગાયે હુમલો કર્યો હતો
ગાય બચકાં પણ ભરી રહી હતી
સમગ્ર ઘટના નજરે જોનાર પંચરત્ન સોસાયટીમાં રહેતા સંતોષબેને સૈનીએ જણાવ્યું હતું કે, આજે બપોરે જમીને અમે ઘરમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ મહિલાની બચાવો બચાવોની બૂમો સાંભળી અમે જોવા માટે બહાર આવ્યા તો ગાય વૃદ્ઘા પર હુમલો કરી રહી હતી. તેમજ મહિલાને બચકાં પણ ભરી રહી હતી. સોસાયટીના લોકોએ ગાયને દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો. ગાયને પથ્થર મારી ભગાડવા ગયા તો ગાય લોકો પર હુમલો કરવા દોડી. જેથી લોકો પાછા હટી ગયા. આ દરમિયાન એક યુવક બાઇક લઇને આવ્યો અને ગાય ત્યાંથી હટી ગઇ. તે યુવક વૃદ્ઘા પાસે બાઇક મુકીને જતો રહ્યો.
નજરે જોઈને ધ્રૂજવા લાગી
વધુમાં જણાવ્યું હતું કે, એક યુવાન બાઈક લઈને આવ્યો અને ત્યાં વૃદ્ધા નજીક મૂકી દીધી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. મારી હાલત એવી હતી કે, થરથર ધ્રૂજવા લાગી હતી. આ તો આજે આવી ઘટના બની એટલે બધા આવે છે. નહીં તો પોલીસવાળા પણ અહીં આવતા નથી. આ ગાયો કોઈ પશુપાલકની છે જેને અહીં બાંધી રાખે છે.
108 એમ્બ્યુલન્સ આવી, પણ મહિલાનું મોત થઇ ગયું
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં ગંગાબેનનું મોત થઇ ચુક્યું હતું. જેથી પોલીસ પણ આવી ગઇ હતી અને મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
ઢોરવાડામાંથી 30થી વધુ ગાય-વાછરડા પકડ્યા
ગાય દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ આવી પહોંચી હતી. આ ટીમે ગેરકાયદે ઢોરવાડામાંથી 34 જેટલા ગાય અને વાછરડા ઢોર ડબ્બે પુર્યા હતા. તેમજ આ ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.
ગાયે આજે જ વાછરડાને જન્મ આપ્યાની શક્યતા
વૃદ્ઘા પર હુમલો કર્યો તે ગાયે આજે જ વાછરડાને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગાય પોતાના વાછરડાની આસપાસ કોઇ પણ આવી જાય તો ઉગ્ર બનતી હતી. જેથી જ્યારે વૃદ્ઘા પણ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થયા ત્યારે ગાયે તેમના પર હુમલો કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.