આર્થિક સહાય:વડોદરામાં મહા શિવરાત્રીના દિવસે શિવજી કી સવારીમાં જોડાયેલા 38 વર્ષના યુવકનું હૃદય હુમલાથી મોત, 2.50 લાખની આર્થિક સહાય કરાઈ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારને મળી આર્થિક સહાય કરવામાં આવી. - Divya Bhaskar
પરિવારને મળી આર્થિક સહાય કરવામાં આવી.
  • ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના લોકો પરિવારને મળ્યા

વડોદરામાં મહા શિવરાત્રીના દિવસે શિવજી કી સવારીમાં જોડાયેલા 38 વર્ષની ઉંમરના નીતીશ રાજેન્દ્ર પુરાણીનું હૃદયરોગના ઘાતક હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું. આ યુવાન તેના પરિવારનો એક માત્ર આધાર હતો અને તેના અણધાર્યા અવસાન થી પરિવાર નિરાધાર બની ગયો હતો.

પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી
આજે ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન, સત્યમ શિવમ સુંદરમ સમિતિ અને શિવ પરિવારના સદસ્યોએ ડભોઇ રોડ પર મૃતક યુવાનના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. અને અસરગ્રસ્ત પરિવારને આર્થિક આધાર આપવા રૂપિયા 2.50 લાખ ભારત કો. ઓપ્રેટીવ બેંકમાં તેના પિતા રાજેન્દ્રભાઈ ના નામે સ્થાયી થાપણના રૂપમાં જમાં કરાવ્યા હતા. જેમાંથી પરિવારને દર ત્રણ મહિને વ્યાજ મળશે.

પરિવારને જરૂરી અનાજ બે વાર મળે એવી વ્યવસ્થા કરી
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે તાત્કાલિક રાહત તરીકે આ પરિવારને જરૂરી અનાજ બે વાર મળે એવી વ્યવસ્થા કરી છે. આ ધર્મપ્રેમી પરિવારે ઘરનો કમાનાર ગુમાવ્યો એ ઘણું દુઃખદ છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વડોદરાના સહ્રદયી નગરજનો આ પરિવારને સંકટના આ કપરા સમયે યોગ્ય રીતે મદદરૂપ બને તેવી હાર્દિક અપીલ કરી છે.સહાયતાની રકમ ભારત કો. ઓપરેટિંવ બેંકના આ પરિવારના ખાતામાં જમા કરાવી શકાશે એમ તેમણે જણાવ્યું છે.