સુનાવણી:ઓઇલચોર અમરસિંહ રાઠોડની આગોતરા જામીનની અરજી રદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 મુજબનું વોરંટ મેળવાતાં આગોતરા જામીન માગ્યા હતા
  • કુખ્યાત અમરસિંહ સામે 14 ગુના નોંધાયેલા છે

ક્રૂડ ઓઇલની પાઇપ લાઇનમાં પંક્ચર કરી ક્રૂડની ચોરી કરવામાં સંડોવાયેલા કાલા સોનાના માફિયા અમરસિંહની આગોતરા જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી. લાંબા સમયથી ફરાર અમરસિંહની ધરપકડ માટે પોલીસે અદાલતમાંથી સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ મેળવતાં અમરસિંહે અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

ગોરવાના શ્રીજી ટેનામેન્ટમાં રહેતો કાલા સોનાનો કિંગ ગણાતો અમરસિંહ રાઠોડ અગાઉ ક્રૂડ ઓઇલની ચોરીમાં પકડાયો છે. જુલાઇ-2021માં પોલીસે વધુ એક વખત બાતમીના આધારે રેડ પાડી ટેન્કરો અને ક્રૂડ ઓઇલની ચોરી પકડી હતી. પોલીસે સ્થળ પરથી બે શખ્સને ઝડપી પાડી 3 ટેન્કરો, 20 હજાર લિટર ક્રૂડ ઓઇલ, રિફીલિંગનાં સાધનો અને મોબાઇલ ફોન મળીને 43.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં અમરસિંહ વોન્ટેડ હતો અને તેની સામે અદાલતે વોરંટ કાઢતાં તેણે અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે વર્ષ 2001થી વર્ષ 2021 દરમિયાન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય સંપત્તિ ક્રૂડની ચોરીના 14 ગુના નોંધાયેલા છે.

તપાસ અધિકારીએ પણ સોગંદનામું રજૂ કરી રજૂઆત કરી હતી કે, અરજદાર મુખ્ય સૂત્રધાર છે અને નાસતો-ફરતો છે ત્યારે અરજી નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...