જનાક્રોશ:પાણી અને પેવર બ્લોક મુદ્દે અધિકારીઓ-કોર્પોરેટર ઘેરાયા, કાર્યકરોને જશ આપવા જતાં કોર્પોરેટર સલવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રહીશોનો આક્રોશ જોઇને પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું. - Divya Bhaskar
રહીશોનો આક્રોશ જોઇને પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું.
  • પાયાની સુવિધાથી વંચિત રહીશોએ અધિકારીઓને પાણી બતાવ્યું

વિધાનસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી રહ્યુ છે ત્યારે પાયાની સુવિધાથી વંચિત નાગરિકોએ પાલિકાના તંત્ર સામે ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને તેના પરિણામે પાણી, આવાસોમાં પ્રાથમિક સુવિધા અને પેવર બ્લોક મામલે જનાક્રોશ ફાટી નીકળ્યો છે અને ત્રણ વિસ્તારોમાં ક્યાંક કોર્પોરેટરને તો ક્યાંક અધિકારીઓને ઘેરાવો થયો હતો.શહેરના નાગરવાડા નવીધરતી માં પેવર બ્લોક નાખવા મામલે જશ ખાટવાનો વિવાદ થયો હતો માંડવીમાં ચોખ્ખા પાણીની માંગ માટે દેખાવ થયો હતો સયાજીપુરામાં 1 વર્ષ પહેલા જ આવાસોની ફાળવણી થઇ છે ત્યાં પ્રાથમિક સુવિધાના મામલે જન આક્રોશ વ્યક્ત થયો હતો.

પાણી ન મળતાં મહિલાઓ વિફરી અધિકારીઓની કાર સામે ધરણાં
સયાજીપુરાના એલઆઇજી આવાસોમા છત પરથી પોપડા ખરવાનું શરૂ થયું છે. રહીશોને પૂરતું પાણી મળતું નથી.તેના કારણે રોષે ભરાયા સ્થાનિક રહીશોએ પાલિકાના અધિકારીઓને ઘેરાવો કર્યો હતો.મહિલાઓ અધિકારીની કાર આગળ બેસી ગઇ હતી. લોકોનો રોષ જોઇ અધિકારીઓ ભાગી છૂટયા હતા. સયાજીપુરા એલ.આઈ.જી હાઉસિંગ સ્કીમમાં સાત માળના છ ટાવર છે. જેમાં 1 વર્ષથી રહેતા રહીશોએ જરૂરી સુવિધાઓ આ અંગે પાલિકામાં અગાઉ લેખિત અરજી કરી છે. જેમાં બેને બદલે એક જ લિફ્ટ આપી છે,છતમાં પોપડા પડે છે,પાણી ટપકે છે,ગટર લાઇન લીકેજ છે તેવી ફરિયાદો કરી હતી. લોકોને પાણી પુરતું મળતું નથી, જગ મંગાવવા પડે છે.

મંગળવારે સ્થળ સ્થિતિ જોવા એફોર્ડબલ હાઉસિંગ વિભાગમાં કાર્યપાલક ઇજનેર નિલેશ પરમાર સહિતના અધિકારીઓ આવ્યા હતા.જયાં રહીશોએ કયાં સુધી આ રીતે સહન કરવાનું તેવો આક્રોશ ઠાલવ્યો હતો. રહીશોએ પાલિકાએ મંજૂર કરેલા ડ્રોઈંગ અને નકશા પણ અધિકારીઓને બતાવ્યા હતા. કેટલીક મહિલાઓ પાલિકાના અધિકારીઓની ગાડી આગળ જમીન પર બેસી જઇ થતાં પાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોના આક્રોશને પારખીને અધિકારીઓ રવાના થઈ ગયા હતા.

હવે કાળા પાણીની સજામાંથી છૂટકારો આપો,રહીશોનો રોષ
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પણ દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે અને તેમાંય માંડવી રાજપુરાની પોળના રહીશો એક મહિનાથી કાળાપાણીની સજા ભોગવી રહ્યા છે ત્યારે રોષે ભરાયેલા રહીશોએ પાલિકા ચોખ્ખું પાણી આપે તેવી માંગ સાથે દેખાવો કર્યા હતા.આ વિસ્તારમાં ગંદા પાણી અને ડ્રેનેજ ઉભરાવવવાના કારણે અનેક લોકો બીમાર પડ્યાનો આક્ષેપ કરાયો હતોે.

પેવર બ્લોક અંગે પોસ્ટ મૂકનાર કોર્પોરેટર સાથે શાબ્દિક ઘર્ષણ
નાગરવાડાની કાઠીયાવાડી ચાલ ખાતે રામદેવ પીરના મંદિર પાસે ફૂટપાથ ઉપર પેવર બ્લોક નાખવા મામલે ભાજપના બે કાર્યકરોએ રજુઆત કરી હોવાનો નામજોગ ઉલ્લેખ બે મહિલા કોર્પોરેટરો સોશિયલ મીડિયામાં કરતા સ્થાનિક રહીશોનું ટોળું મહિલા કોર્પોરેટરના ઘરે પહોંચ્યું હતું અને ઘેરાવ કર્યો હતો.

નાગરવાડા વિસ્તારમાં આવેલી નવી ધરતી કાઠીયાવાડી ચાલ ખાતે રામદેવપીર મંદિરના જિર્ણોદ્ધાર બાદ ત્યાં પેવર બ્લોક નાખવા માટે સ્થાનિક ભાજપ આગેવાન હિતેશ સાગઠીયા અને દિલીપ ચાવડાએ કરેલા સૂચના આધારે કામગીરી સંયુક્ત ફોટામાંથી શરૂ કરાવી હોવાની પોસ્ટ ભૂમિકા રાણા અને શ્વેતા ઉત્તરે સોશિયલ મીડિયામાં મૂકી હતી.વિવાદનો મધપૂડો છેડાતા આ વિસ્તારના દિલીપ મકવાણા સહિતના રહીશો કોર્પોરેટર ભૂમિકા રાણા ના ઘરે પહોંચ્યા હતા.ભાજપ ના કોર્પોરેટર ભૂમિકા રાણા અને શ્વેતા ચૌહાણને રજૂઆત કરી હતી કે ખોટી રીતે કામગીરીનો જશ અપાયો છે. સમગ્ર મામલાને લઈને ત્યાં તુ..તું...મે..મેં.. ના દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે એક આગેવાને 10 હજાર ખિસ્સામાંથી કાઢીને ખર્ચના લઈ લો તેવી ટકોર કરતી ઓફર મૂકી હતી.કોર્પોરેટર ભૂમિકા રાણાએ સમગ્ર બનાવની વિગત આપી સ્થાનિકોનો આંતરિક જૂથવાદ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...