તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડો રૂપિયા પાણીમાં!:વડોદરાના 10 તળાવોની જાળવણી કરવામાં ન આવતા હાલત બદતર, તળાવોની આસપાસ ગંદકીથી ખદબદી રહ્યા છે

વડોદરાએક મહિનો પહેલા
  • સુરસાગર તળાવની સફાઇના અભાવે જળચર જીવો કાચબા અને માછલીઓ માટે જોખમ ઉભું થયું
  • તળાવમાં ડ્રેનેજનું પાણી જતું હોવાથી તળાવના પાણીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવે છે

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોના બ્યુટીફીકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ, તળાવોના બ્યુટીફીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ તેની જાળવણી કરવામાં ન આવતા તળાવોના બ્યુટીફીકેશન પાછળ ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. તળાવો ગટરોના પાણી અને તળાવોની આસપાસ ગંદકીથી ખદબદી રહ્યા છે.

તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા 11 જેટલા તળાવો આવેલા છે. જેમાં શહેરની મધ્યમાં આવેલ સુરસાગર, ગોત્રી, સમા, છાણી, સિધ્ધનાથ, કમલાનગર, દંતેશ્વર, લક્ષ્મીપુરા, માંજલપુર, કોતરતલાવડી અને બાપોદ સહિત તળાવોનો સમાવેશ થાય છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની સુંદરતામાં વધારો થાય, તળાવોની આસપાસમાં રહેતા લોકો તળાવોના કિનારે ફરવા જાય, વોકીંગ કરે, તળાવો સ્વચ્છ રહે તેવા હેતુથી તળાવોના બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું અને દરેક તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

તળાવો તૈયાર થયા બાદ વાહવાઇ લેવા માટે પણ ખર્ચા કરાયા
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવા પ્રોજેક્ટોનો જોરશોરથી પ્રચાર કરીને લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવે છે. પરંતુ, ખર્ચો કર્યા બાદ તેની દેખભાળ રાખવામાં આવતી ન હોવાથી પ્રજાના નાણાંનો વેડફાટ થઇ જાય છે. શહેરના તળાવો પાછળ પર બ્યુટીફીકેશનના નામે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો હતો. તળાવો તૈયાર થયા બાદ વાહવાઇ લેવા માટે પણ ખર્ચા કરવામાં આવ્યા હતા. પરંતુ, તે બાદ તળાવોની જાળવણી માટે કોઇ ધ્યાન ન આપવામાં આવતા તળાવો ગંદકીથી ઉભરાઇ રહ્યા છે.

તળાવના પાણીમાં પણ જંગલી વેલ અને લીલ થઇ ગઇ છે.
તળાવના પાણીમાં પણ જંગલી વેલ અને લીલ થઇ ગઇ છે.

તળાવના પાણીમાં પણ જંગલી વેલ અને લીલ થઇ ગઇ
શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની સફાઇના અભાવે જળચર જીવો કાચબા અને માછલીઓ માટે જોખમ ઉભું થયું છે. ગોત્રી તળાવની વાત કરવામાં આવે તો તળાવની આસપાસ ગંદકીના ઢગલા થઇ ગયા છે. તળાવમાં ડ્રેનેજનું પાણી જતું હોવાથી તળાવના પાણીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી રહી છે. ડ્રેનેજના પાણી તળાવમાં જવાથી જળચર જીવોના જીવ પણ જોખમમાં મુકાઇ ગયા છે. તળાવની ચારે કોર જંગલી વનસ્પતિ ઉગી ગઇ છે. તળાવના પાણીમાં પણ જંગલી વેલ અને લીલ થઇ ગઇ છે. તેવી જ સ્થિતી છાણી તળાવમાં પાણી ન હોવાથી કોરાકટ થઇ ગયેલા તળાવમાં ગાયો-ભેંસો સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન બની ગયું છે. તળાવની મજબુતાઇ માટે બનાવવામાં આવેલા કોંક્રીટના સ્લેબ પણ તૂટી ગયા છે. સફાઇના અભાવે તળાવ જંગલમાં ફેરવાઇ ગયું છે.

તળાવની અંદર જંગલી વનસ્પતિ ઉગી ગયા છે.
તળાવની અંદર જંગલી વનસ્પતિ ઉગી ગયા છે.

તંત્ર અને કોર્પોરેશનના શાસકો દ્વારા આંખ આડા કાન
કોર્પોરેશનની પાછળ આવેલ ઐતિહાસિક સિધ્ધનાથ તળાવમાં પાણી સૂકાઇ ગયું હોવાથી જળચર જીવો જોખમમાં મુકાઇ ગયા છે. તળાવની અંદર જંગલી વનસ્પતિ ઉગી ગયા છે. તળાવની ચોતરફ બનાવવામાં આવેલ વોક-વેના બ્લોક પણ ઉખડી ગયા છે. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા તળાવને જીવંત રાખવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર અને કોર્પોરેશનના શાસકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આવીજ સ્થિતી શહેરના અન્ય તળાવોની છે. લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા જાળવણી કરવામાં ન આવતા પ્રજાના વેરામાંથી ખર્ચેલા નાણાં પાણીમાં ગયા છે.

તળાવમાં ડ્રેનેજનું પાણી જતું હોવાથી તળાવના પાણીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી રહી છે.
તળાવમાં ડ્રેનેજનું પાણી જતું હોવાથી તળાવના પાણીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી રહી છે.

લોકો દ્વારા જ જાળવણી કરાતા બાપોદ તળાવનું હાલત સારી
શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર આવેલા બાપોદ તળાવનું પણ રૂપિયા 25 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. આ તળાવની ચોમેર વોક-વે બનાવવામાં આવ્યો છે. લાઇટીંગ પણ કરવામાં આવી છે. આ તળાવની આસપાસ રહેતા લોકો દ્વારા જ જાળવણી કરવામાં આવતી હોવાથી, તળાવના કિનારા ઉપર બનાવેલ વોક-વેનો સવાર-સાંજ ઉપયોગ કરી રહ્યા છે.

સ્થાનિક કાઉન્સિલરો દ્વારા તળાવને જીવંત રાખવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.
સ્થાનિક કાઉન્સિલરો દ્વારા તળાવને જીવંત રાખવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.

તળાવોની સાફ-સફાઇ કરવામાં આવશેઃ સ્થાયિ સમિતી અધ્યક્ષ
શહેરના તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ બત્તતર થઇ ગયેલી હાલત અંગે કોર્પોરેશનના સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા તળાવોની જાળવણી થઇ શકી નથી. પરંતુ, જે તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. તે તમામ તળાવોની સાફ-સફાઇ કરવામાં આવશે. અને સ્થાનિક લોકો તેનો કાયમી ઉપયોગ કરે તેવું આયોજન કરવામાં આવશે.

કયા તળાવ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો?

તળાવનું નામખર્ચ
સુરસાગરરૂપિયા 35 કરોડ
બાપોદ25 કરોડ
ગોત્રી7 કરોડ
સમા7 કરોડ
છાણી12 કરોડ
સિધ્ધનાથ4.50 કરોડ
કમલાનગર8.50 કરોડ
દંતેશ્વર1.50 કરોડ
લક્ષ્મીપુરા45 લાખ
માંજલપુર35 લાખ
કોતર તલાવડી30 લાખ

​​​​​​