તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બોગસ દસ્તાવેજથી આંધ્ર બેંકની જમીન પર કબજો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાસીની જમીન પર બોર્ડ લગાવી અોરડી બનાવી દીધી
  • રમેશ પટેલ સહિતના આરોપી સામે ગુનો દાખલ

સેવાસી ખાતે આવેલી આંધ્ર બેંકની જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરી તેના પર કબજો જમાવનાર ચાર આરોપીઓ સામે બેંકના ચીફ મેનેજરે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ જમીન પર કબજો જમાવી બોર્ડ લગાવવા સાથે ઓરડી પણ બનાવી દીધી હતી.

આંધ્ર બેંકના મેનેજર ભાનુપ્રતાપસિંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ પટેલ, શોભરાજસિંગ સીંધા, સંજયસિંહ મહીડા, વિક્રમ ભરવાડ તેમજ બીજા ભરવાડોના નામ જણાવવામાં આવ્યાં છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સેવાસી ગામમાં આંધ્રબેંકના ભોગવટાની જમીન આવેલી છે. આ જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ બેંકમાં મોર્ગેજ થયેલી પ્રોપર્ટીના બોગસ દસ્તાવેજ બનાવ્યાં હતા. જેમાં જમીનનો કબજો સંજયસિંહ મહીડાને સોંપ્યોનો કરાર કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ રમેશ પટેલના નામ પર જમીન ન હોવાનું જાણતા હોવા છતાં તેનો હક્ક હિસ્સો હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને જમીનમાં ઓરડી પણ બનાવવામાં આવી હતી. જમીનનો પાવર શોભરાજસિંહને આપ્યાનો કરાર કરવામાં આવ્યો હતો અને પછી જમીન રમેશની ન હોવા છતાં જમીનના બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યાં હતા અને બનાવટી પાવર ઉભો કરી કૃષી પંચની કોર્ટમાં ગણોતધારા મુજબનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ વિક્રમ ભરવાડ તેમજ અન્ય શખ્સોએ સંજયસિંહ વતી જમીન પર કબજો જમાવ્યો હતો. આ બાબત ધ્યાન પર આવતાં બેંકના મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...