વિદ્યાર્થિનીનો ઠસોઠસ જોમજુસ્સો:બીજાને હિંમત આપનારી વિદ્યાર્થિની ગેંગરેપ થતાં પોતે હિંમત હારી, ઓએસિસના કાર્યક્રમનો પીડિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • મૂળ નવસારીની અને છેલ્લાં 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી હતી
  • વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં બે શખસ ઉપાડીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો ડાયરીમાં ઘટસ્ફોટ થયો હતો

બહુચર્ચિત સામૂહિક દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીનો આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે, જેમાં પીડિતા કહે છે કે મારે જીવનમાં ખૂબ આગળ વધી માતા-પિતાને ગર્વ મહેસૂસ કરાવવું છે. જીવનમાં અનેક તકલીફો આવી, પણ મેં હાર માની નથી. જીવનમાં ગમે એટલી તકલીફો આવે, મારે જે કરવું છે એ હું કરીને જ રહીશ.એના માટે પછી મારે કોઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે. મારે જિંદગીમાં દેખાડો કરવો નથી. મારું માઈન્ડ હવે ક્લિયર થઈ ગયું છે, હવે મારે મારા માતા-પિતાને પ્રાઉડ ફીલ થાય એવું કામ કરવું છે.

જીવન ટૂંકાવનાર વિદ્યાર્થિની ડિસ્ટ્રિક્ટ ટોપર હતી
પીડિતાનો લોકોને પ્રોત્સાહિત કરતો વીડિયો સામે આવ્યો છે. જોકે લોકોને હિંમત આપનારી આ માસૂમ દીકરી પોતે હિંમત હારી ગઈ હતી અને દુષ્કર્મનો ભોગ બનતાં હતાશ થઈ જીવન ટૂંકાવ્યું હતું. પીડિતા ભણવામાં ખૂબ હોશિયાર અને ડિસ્ટ્રિક્ટમાં ટોપર હતી.

વિદ્યાર્થિનીની સાઇકલને ટક્કર, રિક્ષાચાલકે અન્ય સાથે મળી અપહરણ કર્યું
નોધનીય છે કે મૂળ નવસારીની અને છેલ્લાં 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાઇકલ લઇને પસાર થઇ રહી હતી. ત્યારે વડોદરાના વેક્સિન મેદાન પાસે રિક્ષાચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા, જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતાં બંને ભાગી છૂટ્યા હતા.

એક બસચાલક બસ પાર્ક કરવા જતાં બળાત્કારીઓ નાસી છૂટ્યા હતા
બસચાલકની મદદથી યુવતી ચકલી સર્કલ પાસે આવી હતી, જ્યાં તેની સાથે કામ કરતી એક યુવતીને પણ બોલાવાઇ હતી. યુવતીએ ઘરે ગયા બાદ પોતાની ડાયરીમાં પોતાની પર ગુજારાયેલા અત્યાચારની કથની વર્ણવી હતી. ત્યાર બાદ મરોલી કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેણે ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રેલવે પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ કરતાં યુવતી વડોદરામાં રહેતી હોવાનું જણાયું હતું. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવતીના ઘરે જઇ તપાસ કરતાં ડાયરી મળી હતી, જેમાં આ સ્ફોટક ઘટના વર્ણવેલી હતી. તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, જીઆરપી રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત પોલીસ અને વલસાડ રેલવે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ જોતરાઇ છે.

વિદ્યાર્થિનીની બેગમાં કાગળના નાના-નાના ટૂકડા મળ્યા હતા
સુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત ક્વીનમાંથી પોલીસને યુવતીની બેગ મળી હતી, જેમાં કાગળના નાના-નાના ટુકડા જોવા મળ્યા હતા. આ ટુકડાને બહાર કાઢીને ટ્રેનની સીટ પર ગોઠવીને તેને જોડવાના પોલીસે પ્રયાસ કર્યા હતા. કાગળમાં કંઇક લખેલું હતું, જેને ઉકેલવામાં પોલીસને ભારે મહેનત કરી હતી પણ નિષ્ફળતા મળી હતી. આખરે ઘરેથી ડાયરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...