ભાસ્કર વિશેષ:બે મહિનાથી પગાર નહીં મળતાં નર્સિંગ સ્ટાફની મહિલા કર્મીઓ PFના રૂપિયા ઉપાડી ગુજરાન ચલાવવા મજબૂર

વડોદરા2 મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નેશનલ હેલ્થ મિશનના 20 હજાર હંગામી કર્મચારી 2 મહિનાથી પગારથી વંચિત

રાજ્યના આરોગ્ય વિભાગ અંતર્ગત શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના 20હજાર કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર હજુ મળ્યો નથી. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા ડેટા એન્ટ્રી ઓપરેટરથી આયુષ ડોકટર સહિતના કર્મચારીઓને નેશનલ હેલ્થ મિશનની ગ્રાન્ટ ના આવતા આ સમસ્યા સર્જાઇ છે. સમસ્યા એ હદે વકરી છે કે, 8 હજાર રૂપિયાની પગારદાર નર્સિંગ સ્ટાફની બહેનોએ ગુજરાન ચલાવવા પી.એફની રકમ પણ ઉપાડવી પડી રહી છે. એક જ રૂમમાં ચારથી પાંચ નર્સિંગની બહેનો રહેતી હોવાથી તેમનું ભાડું અને ખર્ચ વહેંચાતો હોય છે, તેમ આયુષ મહિલા તબીબ ડી.રાવે જણાવ્યુ હતું.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના તમામ એકાઉન્ટ સિંગલ નોડલ સિસ્ટમ હેઠળ આવરી લેવાની કામગીરી ચાલી હોવાને પગલે ગ્રાન્ટના રૂપિયા આરોગ્ય વિભાગને મળ્યા ન હોવાનું કર્મચારીઓને જણાવવામાં આવી રહ્યું છે. અંદાજે અઢી મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં બે મહિનાનો પગાર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં ના આવતા સામાન્ય પગારદાર કર્મચારીઓની હાલત કફોડી થઈ રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા કર્મચારીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યા પણ 40 ટકા ઉપરાંત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડોદરામાં 200 જેટલા કર્મચારીઓ કોર્પોરેશન અંતર્ગત પગારથી વંચિત છે. કોન્ટ્રાક્ટ પર લેવાયેલા કર્મચારીઓમાં રૂપિયા 10 હજારથી 30 હજાર સુધીના સ્કેલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં નર્સ, ડોક્ટર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફિલ્ડ વર્ક કરતા કર્મચારી છે. આ કર્મચારીઓનો પગાર કયારે થશે તે પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઇ ફોડ પડાયો નથી.

પગાર ન થયા હોય તો ખોટું છે, તુરંત ઉકેલ આવશે
આરોગ્ય વિભાગના કોઈ પણ કર્મચારીઓના પગાર ના થયા હોય તો તે ખોટી ઘટના છે. સમગ્ર વિષય અંગે તપાસ કરાવી તાત્કાલિક પગાર થાય તેવું આયોજન થશે. પ્રશ્નનો તુરંત ઉકેલ આવશે, સિંગલ નોડલનો આદેશ કેન્દ્ર સરકારનો હતો તે મુજબ કામગીરી થઇ રહી છે.- મનોજ અગ્રવાલ, આરોગ્ય સચિવ ગુજરાત રાજ્ય

અન્ય સમાચારો પણ છે...