પરિણીતાને તરછોડી:ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ ધરાવતો NRI પતિ વડોદરાની યુવતી સાથે લગ્ન કરી વિદેશ જતો રહ્યો, પત્નીને ફોન પર કહ્યું: 'હવે તું મારી પત્ની નથી'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના વારસિયા રિંગ રોડની એક સોસાયટીમાં રહેતી યુવતીએ ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ ધરાવતા NRI પતિએ લગ્ન બાદ તેને તરછોડી દીધાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સાથે જ અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર સાસુ-સસરાએ સામે પણ ફરિયાદ કરી છે.

લગ્ન બાદ વિદેશ સાથે લઇ જવાનું કહ્યું
વડોદરાના વારસિયા રિંગ રોડ પરની એક સોસાયટીમાં રહેતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન ડિસેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ ધરાવતા હેમેન ચીનુભાઇ ભગત (મૂળ રહે. કોટીયાર્ક નગર, વાડી, વડોદરા) સાથે પરિવારની સહમતીથી થયા હતા. લગ્ન સમયે તેને કહેવામાં આવ્યું હતું કે પતિ તેને પણ વિદેશ સાથે રહેવા માટે લઇ જશે.

પતિ ઓસ્ટ્રેલિયા, સાસુ-સસરા અમેરિકા જતાં રહ્યા
લગ્નના બે દિવસ બાદ પતિ હેમેન ભગત પત્નીને દુબઇ ફરવા લઇ ગયો હતો. દુબઇથી પરત વડોદરા આવ્યા બાદ પતિએ પરિણિતાને કહ્યું હતું કે હું તને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલીયા લઇ જઇશ. તેમજ તારા ઓસ્ટ્રેલીયાની ફાઇલ મુકવા માટેની જરૂરી કાર્યવાહી પણ મેં શરૂ કરી દીધી છે. આમ કહી પતિ હેમેન જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા જતા રહ્યો હતો. ત્યાર બાદ માર્ચ 2020માં સસરા ચીનુભાઇ મણિલાલ ભગત અને સાસુ ઉર્મિલાબેન ચીનુભાઇ ભગત અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર હોવાથી તેઓ પણ કેલિફોર્નિયાના લેન્સેસટર ખાતે જતાં રહ્યા હતા.

પતિએ ઝઘડા કરી ફોન કરવાનું બંધ કર્યું
ત્યાર બાદ કોરોનાની સ્થિતિને કારણે ઇમિગ્રેશનની કામગીરી બંધ થઇ ગઇ હતી. કોરોનાકાળમાં પૂર્ણ થતાં ફરી ઇમિગ્રેશન શરૂ થતાં પરિણિતાએ પતિને ઓસ્ટ્રેલિયા લઇ જવા કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું. પરંતુ પતિએ નાની-નાની વાતોમાં ઝઘડો કરી બોલવાનું બંધ કરી દીધું હતુ. તેમજ ફોન પણ રિસિવ કરવાનું બંધ કર્યું હતું. દરમિયાન પરિણિતાના જેઠ ભાર્ગવ ભગતે ઓસ્ટ્રેલિયાની ફાઇલ મુકવા 9 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.

તું મારી હવે પત્ની નથી
પતિએ ફોન પર પત્નીને કહ્યું હતું કે, અમારે તારી સાથે કોઇ સંબંધ રાખવો નથી. તારે છૂટાછેડા જોઇતા હોય તો કાગળિયા મોકલી આપું છું. મારે તારી સાથે સંબંધ રાખવો નથી કે મારી તારે પ્રત્યે કોઇ જવાબદારી નથી. તું મારી હવે પત્ની નથી. તેમ કહી તેને તરછોડી દીધી હતી.

જેઠે પણ પરિણિતા સાથે ઝઘડો કર્યો
ગત મે મહિનામાં પતિ હેમેન ભગત ઓસ્ટ્રેલિયાથી વડોદરા આવ્યો હતો. પરંતુ આ અંગે પરિણિતાને કોઇ જાણ કરવામાં આવી ન હતી. પરંતુ પરિણિતાને આ અંગે બહારથી જાણ થતાં તે પતિને મળવા ગઇ હતી. પરંતુ પતિ ઘરે હાજર ન હતો. તેથી પતિને ફોન કર્યો તો પણ તેનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ અંગે જેઠ ભાર્ગવ ભગતનો સંપર્ક કરતા પરિણિતાને તેમણે કહ્યું હતું કે જો મને ખબર હોત કે મારો ભાઇ તારી સાથે લગ્ન કરવાનો છે, તો હું તેને લગ્ન જન કરવા દેત.

પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પતિ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો
​​​​​​​
બીજી તરફ પરિણિતાએ 2 જુલાઇ 2022ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સીલીંગ સેન્ટરમાં પતિ સામે અરજી આપી હતી. જેની જાણ પતિ હેમેનને થઇ જતાં તે 3 જુલાઇ 2022ના રોજ તાત્કાલીક ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. જેથી પરિણિતાએ ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ ધરાવતા પતિ અને અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર સાસુ-સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...