માર્ચ મહિનામાં આવતી હોળી-ધુળેટીના તહેવારમાં ચાલુ વર્ષે હોળી બાદ પડતર દિવસ હોવાથી 8 માર્ચના રોજ ધુળેટીનો તહેવાર ઊજવવામાં આવશે. જોકે શહેરીજનો દ્વારા 7 અને 8 બંને દિવસ ધુળેટી રમવાના મૂડમાં છે. જ્યારે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં 8 માર્ચના રોજ ડોલોત્સવનો કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનિય છે કે, પોળ અને સ્વજનો સાથે ઉજવાતો ધુળેટી પર્વ હવે પાર્ટીપ્લોટ અને રીસોર્ટમાં ઉજવવાનું ચલણ વધ્યું છે.તેવામાં શહેર અને જિલ્લામાં 5 જેટલા સ્થળો પર ધુળેટીના કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત છેલ્લા બે થી ત્રણ વર્ષોમાં સિન્થેટીક ગુલાલ અને કલરની જગ્યાએ હવે લોકો હર્બલ કલર અને ગુલાલનો ઉપયોગ વધાર્યો છે.
તેવામાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત મથુરા અને રાજસ્થાનમાંથી પણ હર્બલ ગુલાલ અને રંગ વડોદરામાં આવે છે. એક અંદાજ મુજબ 5 હજાર ટનથી વધુ હર્બલ ગુલાલનું વેચાણ થઈ જાય છે. આ ઉપરાંત ફાગોત્સવના 40 દિવસ દરમિયાન હવેલીઓમાં મથુરાથી જ 3 હજાર ટન ગુલાલ અને 2 હજાર ટન ફુલોનો ઉપયોગ થતો હોય છે.વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે 8 માર્ચના રોજ કીર્તન-ઢોલ અને ડફના નાદ સાથે ભવ્ય ડોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડોલોત્સવનો પ્રથમ ખેલ સવારે 10 કલાકે અને ચતુર્થ ખેલ બપોરે 12 કલાકે રમાડવામાં આવશે.જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય દ્વારા વૈષ્ણવો પર રંગ ઉડાવવામાં આવશે.
વિવિધ સમાજ દ્વારા પાર્ટીપ્લોટ અને નગરગૃહમાં રંગોત્સવનું આયોજન
શહેરમાં અગ્રવાલ સમાજ દ્વારા 13 માર્ચના રોજ સરસયાજીનગર ગૃહ અકોટા ખાતે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 1 હજારથી વધુ સમાજના લોકો દ્વારા એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરવામાં આવશે. અગ્રવાલ સમાજ ઉપરાંત પણ શહેરના વિવિધ સમાજ દ્વારા પાર્ટીપ્લોટમાં તેમજ ખાનગી ફાર્મ હાઉસમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
બંદોબસ્તને કારણે દિવેર-મઢી સહિતનાં જળાશયો ઉપર જવાનું લોકો ટાળશે
ધુળેટી નિમિત્તે લોકો નદી-જળાશયોમાં નાહવા જતા ડૂબવાની ઘટના બનતી હોય છે. દિવેર-મઢી, નારેશ્વર, સિંધરોટ,પોઈચા તેમજ સાવલી સહિતના ચેકડેમ અને નદી કિનારે બંદોબસ્ત ગોઠવી નાહવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી લોકો આ જળાશયો પર જવાનું ટાળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.