સ્પીડમાં વાહન હંકારતા લોકો ચેતે:હવે ઇન્ટરસેપ્ટર વાનના 360 ડિગ્રીના કેમેરા ઓવર સ્પીડ વાહનને કેપ્ચર કરી તુરંત ઈ મેમો ફાડશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઓવર સ્પીડના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની છે. જેમાં સંખ્યાબંધ લોકોને જીવ ગુમાવવો પડે છે. ત્યારે આવા અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા વડોદરાને 2 ઇન્ટરસેપ્ટર વાન અપાઇ છે. જેને કાર્યરત કરાતા હવે અત્યાધુનિક લેસર સ્પીડ ગન, 360 ડિગ્રીના કેમેરાની મદદથી ઓવર સ્પીડ વાહનને કેપ્ચર કરી ઇ-મેમો જનરેટ કરશે. અત્યાર સુધી સ્પીડ ગનથી મેન્યુઅલી ચેકિંગ કરી દંડ ફટકારાતો હતો.

વર્ષ 2019 માં રાજ્યમાં કુલ 17,046 અકસ્માતના બનાવો પૈકીના 15,464 બનાવો ઓવર સ્પીડના કારણે થયા હતા. જ્યારે વર્ષ 2020માં 13,348 અકસ્માતો પૈકી 12,499 ઓવર સ્પીડના કારણે થયા હતા. જેના પગલે વાહનચાલકો ગતિ મર્યાદામાં વાહન હંકારે તે માટે રાજ્ય સરકારે વડોદરાને તાજેતરમાં જ 2 અત્યાધુનિક ઇન્ટરસેપ્ટર વાન ફાળવાઇ છે.

આ વાહનને અત્યાધુનિક લેસર સ્પીડ ગન, PTZ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ કરાઇ છે. જેમાં લેસર ટ્રાફિક સ્પીડ વિડિયો સિસ્ટમ, સ્પીડ લિમિટ કેસના મેમો માટે પ્રિન્ટર, મોબાઇલ નેટવર્ક વિડીયો રેકોર્ડર, માઈક અને સાયરન સાથેના લાઈટ બાર અને PA સિસ્ટમ તથા એલસીડી મોનિટર જેવા સાધનોથી સજ્જ છે.

60 જવાનોને વાન ઓપરેટ કરવા તાલીમ
2 ઈન્ટરસેપ્ટર વાનને ઓપરેટ કરવા અત્યાધુનિક સિસ્ટમની માહિતી મેળવી તે કઈ રીતે કામગીરી કરે છે તેની સમજણ મેળવવી આવશ્યક છે. ત્યારે હાલમાં આ વાનને ઓપરેટ કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે શહેર પોલીસના 60 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.

નિયમભંગના દંડની માહિતી ફીડ કરાઇ
સિસ્ટમના સોફ્ટવેરમાં મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેટલા રૂપિયાનો દંડ છે તે અંગેની માહિતી પહેલેથી જ ફીડ કરાઇ છે. સ્પીડ ગનથી જે કામ મેન્યુઅલી થતું હતું તેને હવે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા કરવામાં આવશે.

વાન ફાયર સેફ્ટી- ફર્સ્ટ એઇડ કિટથી સજ્જ
ઇન્ટરસેપ્ટર વાનમાં અગ્નિશામકના સાધનો અપાયા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઇડ કીટ પણ રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...