કોરોના કેશલેસ સારવાર:હવે વીમા કંપનીઓ કોરોનાના દર્દીની સારવાર કેશલેસ કરશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાહતદરે સારવાર મળે તે માટે તંત્રની વીમા કંપની સાથે બેઠક
  • હોસ્પિટલ એસો.ના પ્રસ્તાવ બાદ ચોક્કસ પોલિસી બનશે

આગામી સમયમાં સરકાર ક્રમશ: કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ થાય છતાં સારવારના દર સામાન્ય લોકોને પોસાય તેવા હોય તેની કવાયતના ભાગરૂપે ખાનગી હોસ્પિટલોના એસોસિયેશન SITU અને વીમા કંપનીઓના પ્રતિનિધિની કોરોના તંત્ર દ્વારા બેઠક યોજાઇ હતી. જેમાં કેવી રીતે હોસ્પિટલ અને ઇન્શ્યોરન્સ કંપની વાજબી ભાવની સારવાર આપી શકે તેની ચર્ચા થઇ હતી. કેશલેસ સુવિધા માટે વીમા કંપનીઓના પ્રતિનિધિને અપીલ કરાઈ હતી. વીમા કંપનીઓ દ્વારા લોકોના હિતમાં ખાનગી હોસ્પિટલોમાં થતી સારવારના મુદ્દે ઉપયોગી સૂચનો કરી સહયોગની ખાતરી આપી હતી.

એકમતી થાય તે દિશા તરફ પ્રયાસ ચાલુ 

ખાનગી હોસ્પિટલોનું એસોસિયેશન આ દિશામાં આવતીકાલે પોતાનો પ્રસ્તાવ આપશે અને ત્યારબાદ ચોક્કસ પોલિસી બનશે. SITUના પ્રમુખ ડો. કૃતેશ શાહે જણાવ્યું કે, ‘હાલમાં આ મુદ્દે હોસ્પિટલો એક થાય, એકમતી થાય તે દિશા તરફ પ્રયાસ ચાલી રહ્યાં છે. અમે એકાદ દિવસમાં પોતાની વાત તંત્ર સમક્ષ મૂકીશું.’ બેઠકમાં ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ તથા યુનાઇટેડ ઇન્ડિયા જેવી કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

અમદાવાદ પેટર્ન પર પ્લાનિંગ કરાઇ રહ્યું છે
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સના અધિકારી રેખાબેન સોલંકીએ જણાવ્યું કે, ‘કંપનીઓ કોરોનાને ફ્લુના એક પ્રકાર તરીકે ગણી રહી છે. તેથી પ્રિમિયમ અલગથી ચાર્જ કર્યું નથી, અમે કેશલેસ કરવા તૈયાર છીએ. ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સના શેખર સકસેનાએ જણાવ્યું કે, ‘ભાવિ આયોજન વિશે ચર્ચા થઇ હતી. અમદાવાદ પેટર્ન પર કેશલેસ સારવાર થાય તેવા પ્રયાસો થઇ રહ્યાં છે.’

અન્ય સમાચારો પણ છે...