શહેરની ઇલોરા પાર્ક સોસાયટીમાં રહેતા વિજય નગીનભાઇ પ્રજાપતિ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી તેમને આવર-નવાર રોકાણ માટે રૂપિયાની જરૂર પડતી હોવાથી ઓમ ફાયનાન્સ કંપનીના પ્રણવ રક્ષેસભાઇ ત્રિવેદી પાસેથી 99 હજાર રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. જોકે ત્યાર બાદ પ્રણવ ત્રિવેદી વિજય પ્રજાપતિ પાસેથી 6 ટકા લેખે રૂપિયા વસૂલતો હતો. વિજય પ્રજાપતિએ 99 હજાર રૂપિયાના બદલામાં અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયા ચુકવ્યા હતા. છતાં પ્રણવ ત્રિવેદી (રહે. એન્ટીકા ગ્રીનવુડ, ખાનપુરા, સેવાસી) અને તેનો સાગરીત ગૌરાંગ મિસ્ત્રી (રહે. રાવપુરા, વડોદરા) 1 લાખ 40 હજાર રૂપિયા માંગી રહ્યા હતા. તેમજ રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિજય પ્રજાપતિએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
સમામાં સિદ્ઘાર્થ એનેક્ષ-2 કોમ્પલેક્ષમાંથી ઇ-સિગારેટ જપ્ત
વડોદરા લોકોલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-4 દ્વારા બાતમીના આધારે સમા વિસ્તારમાં આવેલ સિદ્ઘાર્થ એનેક્ષ-2 કોમ્પલેક્ષમાં આવેલ ગોગા પાન કોર્નર નામની દુકાનમાં રેડ પાડી હતી. જ્યાં આ દુકાનના સંચાલક હેવન માનસિંગભાઇ ચૌધરી (રહે. સુંદરવન સોસાયટી, ન્યૂ.સમા રોડ, વડોદરા. મૂળ રહે. પુનાવા ગામ. જી. મહેસાણા) પાસેથી પ્રતિબંધિત સિગારેટ અને ઇ-વેપનો 45 હજાની કિંમતનો જથ્થો ઝડપી લીધો હતો.
ચોરીની બાઇક લઇ ત્રણ ચીલઝડપ કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નવનગરી વિસ્તારમાં નંબર પ્લેટ વિનાના શંકાસ્પદ બાઇક સવાર પ્રકાશ નાનુભાઇ ખત્રી (રહે. અક્ષર વિન્ટેઝ, તરસાલી બાયપાસ, વડોદરા)ને પકડી તેની પૂછપરછ કરતા આ બાઇક ફતેગંજ યોગનિકેતન પાસે ફૂટપાથ પરથી ચોર્યું હોવાનું જણાવ્યું હતું. આરોપી પ્રકાશ ખત્રી મૂળ અમરેલીના માણેકપરાનો રહેવાસી છે. પ્રકાશે કબૂલાત કરી છે કે તેણે 20 દિવસ પહેલા વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી પાસે એક મહિલાના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. તેમજ તરસાલી રવિપાર્ક ખાતે મોબાઇલની દુકાનમાંથી એક મોબાઇલ ચોરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી પ્રકાશ ખત્રી સામે અગાઉ આણંદના તારાપુર, વડોદરાના બાપોદ અને કારેલીબાગમાં દારૂ તેમજ વાહનચોરીના ગુના નોંધાયેલા છે.
વ્યાજખોર વિજય ભરવાડ પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો
વગર લાયસન્સે ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યાજખોર વિજય તોગાભાઇ ભરવાડ (રહે. ગણેશનગર, માંજલપુર) 29 હજાર રૂપિયાનું 85 હજાર રૂપિયા વ્યાજ વસૂલવા છતાં રૂપિયા લેનારના પુત્રને તરસાલી આઇટીઆઇ પાસે બેસાડી ગઇ 50 હજાર રૂપિયાની માંગણી કરવાના કેસમાં જામીન પર મુક્ત થયો હતો. જેથી પીસીબી દ્વારા માથાભારે અને ઝનૂની સ્વભાવના વિજય ભરવાડની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.