દરોડો:કુખ્યાત લાલજી રબારી અને રાજેશ ઠાકોરનો 2.74 લાખનો દારૂ પકડાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બૂટલેગર લાલજી રબારીનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. - Divya Bhaskar
બૂટલેગર લાલજી રબારીનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.
  • વાડી પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા દારૂના વેપલા પર પાણીગેટ પોલીસની ક્રોસ રેડ
  • ગાજરાવાડીમાંથી દારૂ અને 2 કાર સહિત રૂા.12.74 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાજરાવાડી વચલા ફળિયામાં બૂટલેગર લાલજી રબારી, તેના પુત્ર જયમીન અને રાજેશ હરગોવિંદ ઠાકોરે ઇનોવા અને સેન્ટ્રો કારમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી ડીસીપી ઝોન-3ને મળતાં પાણીગેટ પોલીસને દરોડો પાડવા સૂચના આપી હતી. જેથી પાણીગેટ પોલીસે વાડી પોલીસની હદમાં દરોડો પાડી 2.74 લાખનો દારૂ કબજે કર્યો હતો.

ગાજરાવાડીમાં રહેતા બૂટલેગરો રાજેશ હરગોવિંદ ઠાકોર, લાલજી રયઘણ રબારી તથા જયમિન રબારીએ વાહનોમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે, તેવી બાતમી ડીસીપી ઝોન-3ને મળી હતી. આ વિસ્તાર વાડી પોલીસની હદમાં આવતો હોવા છતાં ડીસીપીએ પાણીગેટ પોલીસને દરોડો પાડવા સૂચના આપતાં રવિવારે બપોરે પાણીગેટ પોલીસની ટીમ ગાજરાવાડી વચલા ફળિયામાં પહોંચી હતી.

જ્યાં ઇનોવા અને સેન્ટ્રો કારની તલાશી લેતાં 2.74 લાખની વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની 630 બોટલો મળી હતી. પોલીસે દારૂ, ઇનોવા કાર અને સેન્ટ્રો કાર કબજે કરી રૂા.12,74,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વાહનો કોની માલિકીનાં છે તથા તેના ડ્રાઇવર કોણ છે તે ઉપરાંત રાજેશ ઠાકોર, લાલજી રબારી અને જયમીન રબારીની પોલીસે તપાસ શરૂ કરી હતી. વાડી પોલીસની હદમાં ચાલી રહેલા દારૂના વેપાર અંગે પાણીગેટ પોલીસે દરોડો પાડતાં ચકચાર મચી ગઇ હતી.

અગાઉ વાડી પોલીસની રેડમાં લાલજી ન મળ્યો
લાલજી રબારી પોલીસનો ડર રાખ્યા વગર જ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો આવ્યો છે. વાડી પોલીસ આંખ આડા કાન કરી રહી હતી. ત્યારબાદ આ વાત ધ્યાનમાં આવતાં અધિકારીઓએ કડક સૂચના આપી હતી, જેથી ગત એપ્રિલ માસમાં વાડી પોલીસે દરોડો પાડ્યો હતો, પણ લાલજી રબારી અને હિતેશ રબારી મળી આવ્યો ન હતો. પોલીસે સ્થળ પરથી 16,600 રૂપિયાનો દારૂ અને એક્ટિવા કબજે કર્યું હતું.

વાડી પોલીસની બેદરકારીની તપાસ માટે એસીપીને તપાસ સોંપાઇ
​​​​​​​સૂત્રોએ જણાવ્યું કે, ગાજરાવાડીમાં નામચીન લાલજી રબારી અને રાજેશ હરગોવિંદ ઠાકોર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે તેવી વ્યાપક ફરિયાદો વાડી પોલીસ સ્ટેશનમાં થઇ હતી, છતાં વાડી પોલીસે આંખ આડા કાન કર્યા હતા અને કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. ભુતકાળમાં પણ લાલજી રબારી ગુના નોંધાયેલા છે. લાલજી રબારી સામે કાર્યવાહી કરવાની સૂચના અધિકારીઓ તરફથી અપાયા પછી પણ વાડી પોલીસે દરોડા પાડ્યા ન હતા જેથી ઉપરી અધિકારીઓએ પાણીગેટ પોલીસને જાણ કરી દરોડો પાડવાની સૂચના આપી હતી અને તેમાં દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. આ ઘટનામાં વાડી પીઆઇ સહિત પોલીસ કર્મચારીઓની ઘોર બેદરકારી અને લાપરવાહી જોવા મળતાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા અને વાડી પીઆઇ સહિતના પોલીસ કર્મીઓની બેદરકારીની તપાસ એસીપી ઇ ડીવીઝનને સોંપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...