વેપારીના મોબાઈલમાંથી અંગત પળોના વીડિયો મેળવી 20 લાખની ખંડણી માગવાની ઘટનામાં આસ્થા ફાઉન્ડેશનના કહેવાતા ટ્રસ્ટીને પોલીસ મથકે હાજર રહેવા અને જવાબ લખાવવા પોલીસે નોટિસ પાઠવી છે. આ કેસમાં આરોપી રાજેશ ભાલિયાની દીકરી મમતા દેશ છોડીને ચાલી ગઈ છે તે તપાસવા સીઆઈડી ક્રાઈમે પાસપોર્ટ ઓફિસની મદદ લીધી છે. ઉલ્લેખનિય છે કે, ખંડણી પ્રકરણમાં આરોપી રાજેશ ભાલિયા કોર્ટમાં ચક્કર ખાઈને પડ્યા બાદ હજુ એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જેને પોલીસ પ્રોટેક્શન અપાઈ રહ્યું છે. જ્યારે ટ્રસ્ટી હિમાંશુ દેસાઈને પોલીસ શોધી રહી છે.
સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, માંજલપુરમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા વિપુલભાઈ (નામ બદલ્યું છે)એ વર્ષ 2018માં રાજેશ ભાલિયા (વડસર બ્રિજ પાસે) થકી તેમની દુકાન 5 હજાર ભાડેથી લીધી હતી. ધંધો ચાલતો ન હોવાથી તેઓ ભાડું આપી શક્યા નહતા. જેથી ભાડાની ઉઘરાણી કરવા રાજેશ ભાલિયા ફરિયાદીનું લેપટોપ, મોબાઈલ અને ચેકબુક લઈને જતો રહ્યો હતો.
રાજેશ ભાલિયાએ ફરિયાદીના મોબાઈલમાં તેમના અને તેમની પત્નીના અંગત પળના વીડિયો જોઈ લીધા છે, વીડિયો વાઇરલ થશે તો તમે ક્યાંયના નહીં રહો, કહી 20 લાખની માગણી કરી હતી. દરમિયાન વેપારીના નામનો એક ચેક આસ્થા ફાઉન્ડેશનના નામે ક્લીયર થવા બેંકમાં આવ્યો હતો. બેંકે ફરિયાદીનો કોન્ટેક્ટ કરતાં તેમણે ચેક નથી આપ્યો તેમ કહેતાં બેંકે ફરિયાદી અને ચેક લઈને આવનાર પ્રજ્ઞા જોષીને બોલાવી હતી.
ફરિયાદી ટ્રસ્ટીને મળવા ગયા હતા, જ્યાં ટ્રસ્ટીએ ફરિયાદીના મોબાઈલમાં તેમના અંગત પળના વીડિયો જોયા છે, કહી બાકીના 15 લાખ આપવા જણાવ્યું હતું. આખરે ફરિયાદી રાજેશના ઘરે ગયા હતા, જ્યાં રાજેશ અને તેની પુત્રી હાજર હતાં. રાજેશની પુત્રીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારી બધી વસ્તુઓ મારા વકીલ પાસે મૂકવા આપી છે. તમે જતા રહો નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ. આખરે કંટાળીને ફરિયાદીએ રાજેશ ભાલિયા, રાજેશ ભાલિયાની પુત્રી અને હિમાંશુ દેસાઈ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.