લક્ષ્યાંક:રું.150 કરોડના વેરા વસૂલવા 15 હજાર બાકીદારને નોટિસ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ અંત સુધીમાં વોર્ડ દીઠ 95% વસૂલાતની સૂચના
  • રું.25 હજારથી વધુના બાકીદારો પર તવાઇ : મિલકતો સીલ કરાશે

પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બુધવારે મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની બેઠકમાં માર્ચના અંત સુધીમાં 95% વસૂલાત કરવાની સૂચના આપી છે. પાલિકાએ 25 હજારથી વધુના મિલકત વેરા બાકી હોય તેવા 15 હજાર લોકોને નોટિસ આપી છે.

આ 15 હજાર બાકીદારો પાસેથી અંદાજે 150 કરોડની વસૂલાત કરાશે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે બેઠકમાં મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની વસૂલાત અંગે રિવ્યુ કર્યો હતો, જેમાં વોર્ડ 1 થી 12માં અત્યાર સુધીમાં 80 ટકાની વેરાની વસૂલાત થઈ છે તેની જાણકારી મેળવી હતી. તેમણે માર્ચના અંત સુધી દરેક વોર્ડની 95 ટકાથી વધુ વસૂલાત થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેશને નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં વધુ વેરાની વસૂલાત કરવામાં આવે, જેથી હાલના અને બાકી વેરાની વસૂલાત કરવા કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે અને જરૂર પડે તો પાણી-ડ્રેનેજનાં કનેક્શન પણ કાપી નાખવાં.વેરા વસૂલાત અંગે કરેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં 6ઠ્ઠીથી વેરા વસૂલાતની ઝુંબેશમાં 750 સીલ મારવામાં આવ્યાં હતાં અને બાકીદારો પાસેથી 5 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

પાલિકાએ મિલકત વેરા અંગે રૂા.480 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, તેમાં મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહન વેરાની કુલ મળી રૂા.400 કરોડની વસૂલાત થઈ હોવાની માહિતી વોર્ડ ઓફિસરો દ્વારા રજૂ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા રૂા. 25 હજારથી વધુ રકમના મિલકત વેરા બાકી હોય તેવા 15 હજાર બાકીદારોને નોટિસ આપી ભરપાઇ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...