પાલિકાની લાંબા સમય બાદ ચર્ચા માટે મળેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક દલીલો થઈ હતી.જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે એજીટીના આદેશના અઢી મહિના બાદ પણ વિશ્વામિત્રી નદી માટે પાલિકાએ કશું કર્યુ નથી.
બુધવારે મળેલી પાલિકાની સભામાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના કિનારેથી લગભગ 1હજાર ટન કાટમાળ દૂર કરવામાં આવ્યો છે.તેમણે માણસ છે તો મગર છે પણ મગર છે તો માણસ નથી તેવી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2000 પહેલા વડોદરાએ મગરનું ઘર ન હતું અને આટલી મોટી સંખ્યામાં મગરો પણ વડોદરામાં ન હતા.22 લાખની વસ્તી ધરાવતા વડોદરાની જનતાને મુક્ત કરવા વિશ્વામિત્રી નદીને ફરી સજીવન કરવામાં આવશે અને નવું નજરાણું મળશે.
આ રજૂઆત થતાં જ કોંગ્રેસના નેતા અમી રાવતે એનજીટીનો આદેશ થયે અઢી મહિના થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેવો ટોણો મારતા જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 15 દિવસમાં મેપિંગ કરવાનું કહ્યું છે અને ગેરકાયદે બાંધકામ તોડી નાંખવાનું કહ્યું છે તો એનો અમલ કરવો જરૂરી છે. 10 કરોડ નો ખર્ચો થઈ ચૂક્યો છે અને પાલિકાની 3 ચૂંટણી પણ થઈ ચૂકી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ 17 કિલોમીટરનું સર્વે થયો હતો અને હવે આખી વિશ્વામિત્રી નદીનો સર્વે થશે.
રખડતા ઢોરોનો ઉકેલ હવે તો લાવો
શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ત્યારે પાલિકાની સભામાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. જહાં દેસાઈએ પશુપાલકોને ચાર ઝોનમાં અલગ અલગ જગ્યા આપવાની માંગ કરી હતી. ભાજપના જયશ્રી સોલંકીએ કેટલાક પશુપાલકો પશુઓને કતલખાને મોકલે છે તેવી ટિપ્પણી કરતા ખુદ ભાજપી મોરચે ભારે હોબાળો મચી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.