વડોદરાનું પોળ પુરાણ:જાતિ-વ્યક્તિના નામે જ નહીં વૃક્ષો, પ્રાણીના નામે પણ વિસ્તારો- પોળ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાડા, પરાં, પુરા, ફળિયા, પોળોમાં વહેંચાયેલું વડોદરા નરસિંહજીની પોળ અગાઉ વણિક પોળથી ઓળખાતી - Divya Bhaskar
વાડા, પરાં, પુરા, ફળિયા, પોળોમાં વહેંચાયેલું વડોદરા નરસિંહજીની પોળ અગાઉ વણિક પોળથી ઓળખાતી
  • અટક પરથી પણ પોળાનાં નામ પડ્યાં

વડોદરાના વિસ્તારોના નામોનું વર્ગીકરણ કરીએ તો વાડા, પરાં, પુરા, ફળિયા ઉપરાંત પોળોમાં વહેંચાયેલું છે. આ વિસ્તારો જાતિ-વ્યક્તિના નામે આજે પણ દાયકાઓ બાદ ઓળખાય છે. પણ બીજી મહત્ત્વની બાબત વૃક્ષો અને પ્રાણી-પંખીઓના નામે ઓળખાતા વિસ્તારો છે. લીમડા પોળ, સમડી પોળ, કોઠી પોળ વૃક્ષોનો મહિમા કરે છે. જ્યારે બકરી પોળ અને હાથીપોળ પણ છે. હાથીપોળમાં ભાસ્કર વિઠ્ઠલનો હાથી બાંધવામાં આવતો હતો. જે હાથીપોળ તરીકે જાણીતો થયો. ભાસ્કર વિઠ્ઠલનો વાડો આજે પણ છે.

જ્યારે જાતિઓના આધારે નામ અપાયા હોય તેવી પોળ કાછિયા, મોઢ, પડી (બાંધનાર), પટોળિયા, મહેતા, મપારા, સોની, અધ્યારુ, કંસારા, ખત્રી અને રાજગુરુ અને કાપડી પોળનો સમાવેશ થાય છે. જ્યારે વ્યક્તિ વિશેષમાં ઉત્તમચંદ ઝવેરી, જોગીદાસ વિઠ્ઠલ, વીરાશા, શામળ બે(બહે)ચર, (ગંગાધર) શાસ્ત્રી અને જગમાલની પોળ છે. મંદિરોના નામ પરથી પોળોના નામોમાં મહાદેવની પોળ (જે અગાઉ કસાઇ પોળ)ના નામે ઓળખાતી હતી. નરસિંહ, પંચમુખી, ભદ્રકાળી માતા, રામજી મંદિરની પોળ, રાધાકૃષ્ણ, સિદ્ધેશ્વર, હનુમાન પોળો વગેરે મુખ્ય છે.

આ પોળો પૈકી નરસિંહજીની પોળનો ઉલ્લેખ નાકરે 16મી સદીમાં કર્યો છે. એવું કહેવાય છે કે, જ્યારે તે વણિકની પોળ તરીકે જાણીતી હતી. કોટ વિસ્તારની આ સૌથી જૂની પોળ છે. નાકરે હરિચંદ્રાખ્યાન લખ્યું છે. વડોદરામાં ગાયકવાડી શાસન વેળા વિવિધ વિસ્તારોમાં ઘોડેસવાર ટુકડી રખાતી હતી. આ ટુકડીઓ તેમના સરદાર કે જાતિ વિશેષના નામની ઓળખથી જાણીતી હતી. આવી ટુકડીઓને પાગા તરીકે ઓળખાતી હતી. આજે પણ વડોદરામાં પાગાના નામે વિસ્તારો ઓળખાય છે.

હુજરત પાગા, મુન્શી પાગા, જયસિંગરાવ પાગા, કાલુપુરામાં ગરુડ પાગા (હવે ચાલ), કડુ પાગા વગેરે. આજે પણ જુના જમાનાના લોકો રાજમહેલ રોડ વિસ્તારમાં આબાજી ગબાજીની પાગા, કાકા સાહેબની પાગા (ખાંચો) કે નજરપાગાના નામે પોતાના વિસ્તારને ઓળખાવે છે. નજરપાગા અને ઉઘાડપાગા જેવી પાગાઓએ પોતાની ઓળખ ગલીમાં ફેરવી દીધી હોવાનું ઇતિહાસકાર આર.એન.મહેતાએ પોતાના પુસ્તકમાં ટાંક્યું છે.

અન્ય સમાચારો પણ છે...