દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા 3 જૂનના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડોદરામાં ‘એજ્યુકેશન ટાઉન હોલ’ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે વડોદરામાં સ્કૂલોની હાલત કેવી છે એ જાણીએ. એક તરફ ભાજપ સરકાર 'ભણશે ગુજરાત'ની ગુલબાંગો પોકારીને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરી દેખાડા કરે છે, ત્યારે બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલનું મકાન તૈયાર થયું ન હોવાથી દોઢ વર્ષથી બાળકોને ગામના પંચાયત ઘર, કબ્રસ્તાન, મદરેસા અને ડેરીના મકાનમાં બાળકોને ભણાવવાની ફરજ પડી છે અને નવા શૈક્ષણિક સત્રમાં પણ જ્યાં જગ્યા મળશે ત્યાં ભણવાનો વખત આવશે. કનાયડા ગામમાં સ્કૂલનું મકાન ન હોવાથી 200 બાળકનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે.
સ્કૂલ બિલ્ડિંગ તોડી પાડ્યું, પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી
રાજ્ય સરકાર ભણશે ગુજરાત અભિયાન હેઠળ સાક્ષરતા વધારવાના પ્રયાસો કરે છે, પરંતુ ઇચ્છાશક્તિના અભાવે સરકારના અભિયાનને સફળતા મળતી નથી. આગામી દિવસોમાં શરૂ થતા શૈક્ષણિક સત્રમાં સરકાર દ્વારા પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવા જઇ રહ્યું છે, પરંતુ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા ગામની શાળા બનાવવામાં ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામમાં 1થી 8 ધોરણની શાળા છે, પરંતુ ગામની સ્કૂલનું મકાન જર્જરિત થઇ જતાં કોઇપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર 18 માસ પહેલાં સ્કૂલનું મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા 18 મહિનાથી જર્જરિત શાળા તોડી પડાયા બાદ શાળાનું નવું મકાન બનાવવામાં ન આવતાં સ્કૂલનાં 200 જેટલાં બાળકોને ગામલોકોની મદદથી પંચાયત ઘર, ડેરી ઘર મદરેસા તેમજ કબ્રસ્તાનમાં ભણાવવાની શિક્ષકોને ફરજ પડી છે અને 10 દિવસ બાદ શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં પણ ગામમાં જ્યાં જગ્યા મળશે ત્યાં ભણવાનો વારો આવશે.
200 વિદ્યાર્થીનું ભાવિ અંધકારમય બન્યું
ગુજરાત સરકાર શિક્ષણનો સ્તર સુધારવા સાક્ષરતા મિશન હેઠળ 'ભણશે ગુજરાત' અભિયાન પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ધાર્યું પરિણામ મળતું નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા કનાયડા ગામની પરિસ્થિતિ સરકારના અભિયાન સામે સવાલો ઉઠાવે છે. આ ગામમાં 1થી 8 ધોરણ સુધીના વર્ગો ધરાવતી એક શાળા હતી. શાળાની ઇમારત જર્જરિત થતાં આજથી 18 માસ અગાઉ શાળા તોડી પાડવામાં આવી હતી. શાળાની બીજી ઇમારતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય જર્જરિત શાળાની ઇમારત તોડી પડાતાં 200 બાળકના શિક્ષણનું ભાવિ પણ જમીનદોસ્ત થઈ ગયું. ગ્રામજનોનું માનીએ તો છેલ્લા 18 માસથી શાળા નહીં હોવાને કારણે બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે.
સ્કૂલ બિલ્ડિંગ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલે (વકીલ) જણાવ્યું હતું કે કનાયડા ગામની શાળાનું મકાન તૈયાર થયું નથી. હજુ પણ યથાવત્ સ્થિતિ છે. અગાઉ શાળાના 6 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા, જે વધારી 8 કરવામાં આવ્યા છે. અગાઉ રૂપિયા 72 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ, કોઇ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું નથી, આથી આજે પુનઃ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર સર્વ શિક્ષા અભિયાન, ગાધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે. આગામી દિવસોમાં શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને ભણાવવા માટે ગામમાં કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરશે?
કનાયડા ગામના અગ્રણી મુનીરભાઇ પઠાણે જણાવ્યું હતું કે હજુ પણ ગામમાં સ્કૂલનું મકાન બનાવવામાં આવ્યું નથી. ગામના 200 વિદ્યાર્થી આગામી દિવસોમાં શરૂ થતી શાળાઓમાં ગામનાં બાળકો ક્યાં બેસી અભ્યાસ કરશે એ એક પ્રશ્ન છે. ગામની શાળામાં અભ્યાસ કરતાં બાળકો અને વાલીઓ ચિતામાં છે.
475 ઓરડા સામે નવી વ્યવસ્થા ઊભી કરી છે83 સ્કૂલના 475 ઓરડા જર્જરીત છે. તેની ચકાસણી આરએન્ડબીએ કર્યા બાદ રિપોર્ટ સરકારમાં થાય છે. નવા ઓરડા બનાવવાની એજન્સી નક્કી થયા બાદ કામ શરૂ થશે. ટેન્ડરીંગ કરાયું છે. નવી વ્યવસ્થા કરાઈ છે. - ડો.રાજેન્દ્ર પટેલ, ડીડીઓ
ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓને ભણાવાશે હાલ વેકેશન છે, ક્યાં વૈકલ્પીક વ્યવસ્થા કરવાની છે તેનો સર્વે ચાલે છે. શિક્ષણ મંત્રી સાથે પણ ચર્ચા કરી છે. ભાડાના મકાન લઈને ભણાવાશે. - અશ્વિન પટેલ, ચેરમેન, જિ.પ્રા.શિ.સ
જર્જરીત ઓરડાના કારણે અકસ્માતો થયા છે, કોઇ બજેટ જ નથી ફાળવાતુંજર્જરીત ઓરડાઓના મેન્ટેનેન્સ માટે બજેટ ન હોવાથી અકસ્માતો પણ થયાનો આક્ષેપ જિલ્લા પંચાયતના કોંગી નેતા એમ.આઈ.પટેલે કરી જણાવ્યું કે, જર્જરીત ઓરડાઓમાં વરસાદી પાણી પડે છે. અભ્યાસ દરમિયાન અકસ્માતો થયેલા છે. આઝાદી પછી બનેલી સ્કૂલનું રીનોવેશન થવું જોઈએ, તે માટે બજેટ નથી. ગામડાંમાં પ્રાથમીક શાળાના બાળકોની સંખ્યા ઘટતી જાય છે.
વડોદરા જિલ્લામાં 83 સ્કૂલોમાં 475 ઓરડા જર્જરીત
ડભોઈ
સ્કૂલ | ઓરડા |
અકોટી પ્રાઈમરી સ્કૂલ | 2 |
કડાધરા પ્રાઈમરી સ્કૂલ | 4 |
કનાયડા પ્રાઈમરી સ્કૂલ | 8 |
કરમલ પ્રાઈમરી સ્કૂલ | 3 |
કાયાવરોહણ કુમાર પ્રા.સ્કૂલ | 12 |
ખાનપુરા પ્રાઈમરી સ્કૂલ | 3 |
કુકડ એન.વી.પ્રા.સ્કૂલ | 1 |
કુમાર શાળા-1 | 10 |
કુંઢેલા સ્કૂલ | 1 |
લીંગસ્થળી પ્રાઈમરી સ્કૂલ | 7 |
પ્રયાગપુરા પ્રાઈમરી સ્કૂલ | 6 |
સથોડ પ્રાઈમરી સ્કૂલ | 9 |
સીંધિયાપુરા પ્રાઈમરી સ્કૂલ | 1 |
સીતાપુર પ્રાઈમરી સ્કૂલ | 7 |
વણાદરા પ્રાઈમરી સ્કૂલ | 1 |
ડેસર
સ્કૂલ | ઓરડા |
ડેસર કન્યા પ્રા.સ્કૂલ | 8 |
ઘેમાપુરા પ્રા.સ્કૂલ | 2 |
જેસર પ્રા.સ્કૂલ | 3 |
લલખા પ્રા.સ્કૂલ | 4 |
મેરાકુવા પ્રા.સ્કૂલ | 2 |
પીપલછાટ પ્રા.સ્કૂલ | 5 |
પ્રતાપપુરા પ્રા.સ્કૂલ | 4 |
સંધાસળ પ્રા.સ્કૂલ | 6 |
વચ્છેસર પ્રા.સ્કૂલ | 6 |
કરજણ
સ્કૂલ | ઓરડા |
ધાવત પ્રા.સ્કૂલ | 7 |
ઓસરામ પ્રા.સ્કૂલ | 6 |
વેમાર પ્રા.સ્કૂલ | 2 |
પાદરા
સ્કૂલ | ઓરડા |
આમલા પ્રા.સ્કૂલ | 7 |
ભોજકુમાર પ્રા.સ્કૂલ | 6 |
ચોકારી પ્રા.સ્કૂલ | 13 |
ડભાસા કુમાર પ્રા.સ્કૂલ | 14 |
કુરાલ પ્રા.સ્કૂલ | 5 |
લતીપુરા પ્રા.સ્કૂલ | 8 |
મોભા આદર્શ સ્કૂલ | 8 |
નવાપુરા (મહુવડ)પ્રા.સ્કૂલ | 5 |
P. R.પટેલ પ્રા.કન્યા સ્કૂલ | 4 |
રણું કુમાર પ્રા સ્કૂલ | 8 |
સાદરા પ્રા.સ્કૂલ | 9 |
સંધા પ્રા.સ્કૂલ | 6 |
સોખડા ખુર્દ પ્રા.સ્કૂલ | 4 |
સોમજીપુરા પ્રા.સ્કૂલ | 8 |
ટીમ્બીપુરા પ્રા.સ્કૂલ | 7 |
વડુ કન્યા પ્રા.સ્કૂલ | 5 |
વડુ કુમાર પ્રા.સ્કૂલ | 10 |
સાવલી
સ્કૂલ | ઓરડા |
અમરાપુરા પ્રા.સ્કૂલ | 2 |
ચારણપુરા પ્રા.સ્કૂલ | 5 |
ગોઠળા પ્રા.સ્કૂલ | 2 |
ખાખરીયા પ્રા.સ્કૂલ | 2 |
લોટના એન.વી.પ્રા.સ્કૂલ | 4 |
નહારા પ્રા.સ્કૂલ | 2 |
નમીસરા પ્રા.સ્કૂલ | 5 |
પધરો પ્રા.સ્કૂલ | 9 |
રાનીયા પ્રા.સ્કૂલ | 7 |
તાલુકાશાળા સાવલી-1 | 11 |
શિનોર
સ્કૂલ | ઓરડા |
અવાખલ પ્રા.સ્કૂલ | 11 |
બરકાલ કોલોની પ્રા.સ્કૂલ | 2 |
બરકાલ પ્રા.સ્કૂલ | 5 |
બાવલીયા પ્રા.સ્કૂલ | 3 |
છાણભોઈ પ્રા.સ્કૂલ | 2 |
માંડવા પ્રા.સ્કૂલ | 2 |
મીંઢોળ પ્રા.સ્કૂલ | 4 |
મોટા ફોફળીયા પ્રા.સ્કૂલ | 8 |
મોટા કરાળા પ્રા.સ્કૂલ | 7 |
નાના હબીપુરા પ્રા.સ્કૂલ | 1 |
પુનીયાદ પ્રા.સ્કૂલ | 1 |
ટીંબરવા પ્રા.સ્કૂલ | 1 |
વી.સી.પટેલ પ્રા સ્કૂલ | 8 |
ઝાંઝડ પ્રા.સ્કૂલ | 6 |
વડોદરા તાલુકો
સ્કૂલ | ઓરડા |
બાજવા 1 ગ્રુપ સ્કૂલ | 11 |
દેના પ્રા.સ્કૂલ | 5 |
ધનયાવી પ્રા.સ્કૂલ | 11 |
દુમાડ પ્રા.સ્કૂલ | 11 |
ઈટોલા કૃષી પ્રા.સ્કૂલ | 5 |
કોયલી કન્યા પ્રા.સ્કૂલ | 14 |
નવાપુરા પ્રા.સ્કૂલ | 12 |
સીસવા પ્રા.સ્કૂલ | 9 |
વાઘોડિયા
સ્કૂલ | ઓરડા |
ખેડા કરમસીયા પ્રા સ્કૂલ | 2 |
કોટંબી પ્રા સ્કૂલ | 2 |
પુનીતનગર પ્રા સ્કૂલ | 2 |
રાજપુરા પ્રા.સ્કૂલ | 4 |
રાવલ પ્રા.સ્કૂલ | 7 |
વાઘોડિયા કુમાર શાળા | 6 |
વ્યારા પ્રા.ગ્રુપ સ્કૂલ | 7 |
ટોટલ | 475 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.