કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ નહીં, હવે એક્ટિવ કેસ માત્ર 15 રહ્યા, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુધવારે લેવાયેલા 2,321 નમૂનાઓ પૈકી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,101 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,463 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના નવા કેસ પર બ્રેક વાગી છે. વડોદરામાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ નવો પોઝિટિવ કેસ નહીં નોંધાતા તંત્રએ ઘણી રાહત અનુભવી છે. બુધવારે લેવાયેલા 2,321 નમૂનાઓ પૈકી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કોરોનાના 15 દર્દીઓ સારવાર હેઠળ
હાલમાં કોરોનાના 15 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 14 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે ઓક્સિજન પર એક દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં 18 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે 549 દિવસ પછી કોરોનાનો નવો એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. ત્યારે સતત ત્રીજા દિવસે નવો એકપણ કેસ નહીં નોંધાતા તંત્રને રાહત થઈ છે.

2,595 લોકોએ વેકસિનનો પહેલો ડોઝ મુકાવ્યો
વડોદરા શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 2,595 લોકોએ વેકસિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 6,767 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરીવાળા 7,77,422 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 4,67,898 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. બીજી તરફ શહેરમાં 50 હેલ્થકેર વર્કરોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. જ્યારે 55 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. બુધવારે 60 કરતા વધુની ઉંમર વાળાએ 1,093 લોકોએ પહેલો ડોઝ અને 756 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષના 1,256 લોકોએ પહેલો ડોઝ અને માત્ર 1,684 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો.બુધવારે શહેરમાં કુલ 14,256 લોકોએ રસી મુકાવી હતી. જેમાં 9,312 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,773 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,101 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,999, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,819, વડોદરા ગ્રામ્યમાં 26,773 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...