ગત વર્ષે નવેમ્બરથી દર અમાસ અને પૂનમે પીળા ફીણવાળા પાણી મહીસાગરના બંને કાંઠા વિસ્તારોમાં ફેલાઇ જવાની ફરિયાદ બાદ જીપીસીબીએ આ મુદ્દે સેટેલાઇટ પિકચરનો અભ્યાસ કરી આ સમસ્યાનું મૂળ શોધી કાઢીને સમસ્યાના ઉકેલ માટે કામગીરી કરાશે તેવો દાવો કરાયો હતો. આજે આ વાતને આઠ મહિનાનો સમય થયો છે છતાં કોઇ તપાસ સેટેલાઇટ પિક્ચરથી કરાઈ નથી. કારણ કે આવી ઇમેજ જીપીબીસીબી મેળવી શકી નથી.
ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેશ એપ્લિકેશન (બાઇઝેગ) નામની સંસ્થામાંથી કે ઇસરોમાંથી આ પ્રકારની ઇમેજ મેળવી શકાય તેમ છે છતાં જીપીસીબીએ હજી આ દિશામાં પૂરતા પ્રયાસો કર્યા નથી.
પર્યાવરણ સુરક્ષા સમીતિના રોહીત પ્રજાપતિએ જણાવ્યું કે, ‘તોકતે બાદ અને ચોમાસાને લીધે પવન અને પાણીના પ્રવાહ પર અસર પડી છે, તેથી હાલ પૂરતી સમસ્યા દેખાઇ રહી નથી પણ ચોમાસા પછી શિયાળાની શરૂઆતથી ફરી સમસ્યા જોવા મળશે. અત્યારે પણ પ્રદૂષણ છે છતાં આ કારણોસર આપણે જોઇ શકતા નથી.’ જીપીબીસીના અધિકારીના જણાવ્યા મુજબ આ ઇમેજ માટે પ્રયાસ કર્યો હતો પણ હેડ ઓફિસથી પત્ર લખીને ઇમેજ મેળવવાનું જણાવાયું છે. હાલ હેડ ઓફિસથી પત્ર પણ લખાયો છે. જોકે હાલમાં પ્રદુષણના પાણી દેખાતા નથી.
વિશ્વામિત્રી નદીમાંથી કાટમાળ દૂર કરવાની કામગીરી હજુ કરાઈ નથી
વિશ્વામિત્રી નદીમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ કામગીરીના મુદ્દે પર્યાવરણવાદીઓ વિરોધ વ્યક્ત કરતો પત્ર જીપીસીબી, સીપીસીબીને પણ લખી ચૂક્યા છે. ત્યારે ગત સોમવારે જીપીસીબીએ વનવિભાગને સાથે રાખીને વિશ્વામિત્રીના નદીકાંઠા અને પાલિકાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ વિશે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી. ત્રિવેદીએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીને ફરી જીવતી કરવાના મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે પણ હજી કાટમાળ હટાવવાની કામગીરી થઇ નથી. પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે વનવિભાગના સૂચન મુજબ જ કરાઇ છે. મગરના રહેઠાણને કોઇ નુકસાન પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું નથી.’ ઉલ્લેખનીય છે કે, 2017-18માં પાલિકાને કન્સ્ટ્રકશન વેસ્ટ હટાવવાનું કહેવાયું હતુ અને કિનારાના ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો પણ એનજીટીએ આદેશ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.