હવે મચ્છરોની ખેર નહીં!:વડોદરાની MSUના પ્રાધ્યાપક દ્વારા બજારમાં મળતા રેપેલન્ટ કરતાં 10 ગણું શક્તિશાળી કેમિકલ શોધાયું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. પ્રદીપ દેવતા, ગૌતમ પટેલ - Divya Bhaskar
ડો. પ્રદીપ દેવતા, ગૌતમ પટેલ
  • પ્રાધ્યાપક ડો.પ્રદીપ દેવતા અને PhD વિદ્યાર્થી ગૌતમ પટેલને સંશોધન વેળા કેમિકલ મળ્યું

સિંહ, વાઘ કે અન્ય શિકારી પ્રાણી શિકાર કરતાં અગાઉ મિનિટો સુધી ટાંપીને બેસી રહે છે, જ્યારે શિકાર નજીક આવે ત્યારે ત્રાટકે છે. રાહ જોતી વેળા મચ્છર સહિતની જીવાતો તેમને કરડે અને તે હાલે તો શિકાર ભાગી શકે છે. તેથી તે જેનાં પાંદડાંમાં કુદરતી રીતે મચ્છરને ભગાડતાં રસાયણો હોય તેવી વનસ્પતિ સાથે શરીર ઘસે છે. આવા કેમિકલ કેટનિપ ઓઇલ કહેવાય છે.

MSU ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના એપ્લાઇડ કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક ડો. પ્રદીપ દેવતા અને તેમના પીએચડી વિદ્યાર્થી ગૌતમ પટેલે કેટનિપ ઓઇલ જેવું લેકટોલ કેમિકલ વિકસાવ્યું છે. આ સંશોધકોએ લેબોરેટરીમાં પરંપરાગત રેપેલન્ટ કેટલા અસરકારક છે તેની તુલના કરતાં બજારમાં મળતા મચ્છર મારવાના રેપેલન્ટ કરતાં લેકટોલ 10 ગણું શક્તિશાળી છે. પ્રાધ્યાપકને લેકટોલની પેટન્ટ મળી છે. આ બાબતની જાણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મલેરિયલ રિસર્ચને કરી છે.

રંગ-ગંધ હીન લેકટોલ ફેફસાં માટે પણ ઓછું હાનિકારક
બજારમાં મળતાં પારેથ્રોઇડ્સ અને ઓર્ગેનોફોસ્ફરસ કેમિકલોનો રેપેલન્ટ તરીકે ઉપયોગ થાય છે. આ કેમિકલોને લાંબા સમય સુધી શ્વાસમાં લેવાથી ફેફસાં પર હાનિકારક અસર થાય છે, જેને સાઇટોટોક્સિટી કહે છે. લેકટોલની એ કેમિકલોની તુલનામાં સાઇટોક્સિટી ઓછી છે.

મલેરિયાની મુખ્ય પ્રજાતિ પૈકીના એનોફિલિસ ક્યુલિસિફાસિસ મચ્છર પર અસરો WHOના માનાંક મુજબ લેબોરેટરીમાં તપાસી છે. જ્યારે બજારમાં મળતી રેપેલન્ટ મચ્છરોની સૂંઘવા-કરડવાની શક્તિ ઓછી કરે છે. જ્યારે લેકટોલ મચ્છરને મારે છે. તે રંગ અને ગંધહીન છે.

લેકટોલનો વ્યવસાયિક ઉપયોગ અસરકારક સાબિત થશે
​​​​​​​4 મહિનાથી ડેન્ગ્યૂ-ચિકનગુનિયા તથા મલેરિયાના સંખ્યાબંધ કેસ આવી રહ્યા છે. મલેરિયાના 300થી વધુ, ડેન્ગ્યૂના 2 હજારથી વધુ અને ચિકનગુનિયાના 1500થી વધુ કેસ આવ્યા છે. લેકટોલનો વ્યવસાયિક ઉપયોગ કરાશે ત્યારે તે વધુ અસરકારક પુરવાર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...