તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની બેવડી નીતિ:વડોદરામાં માંજલપુરના રાજાના મંડપમાં નો એન્ટ્રી તો પ્રતાપ મડઘા પોળને પતરાબંધી કરી શ્રીજીને કન્ટેઇન્મેન્ટમાં રખાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મશાલ યાત્રામાં 500 લોકો ભેગા થાય-ડીજે પણ વાગે, ગણેશોત્સવમાં આરતી માટે માત્ર 15 લોકોને જ મંજૂરીથી રોષ
  • મંડળની દ્વિધા, આરતીમાં 15ને બદલે 200 લોકો આવી જાય તો શું કરવું?
  • પ્રતાપ મડઘાની પોળના ગણપતિના દર્શન શહેરની જનતા નહીં કરી શકે
  • માંજલપુરના રાજાના ભકતોએ દૂરથી જ દર્શન કરવા પડશે

છેલ્લા 56 વર્ષથી ગણેશજીની પ્રતિમાંનું સાર્વજનિક રીતે સ્થાપન કરતી પ્રતાપ મડઘાની પોળના ગણપતિજીના ચાલુ વર્ષે કોઈ પણ શહેરીજનો દર્શન નહીં કરી શકે. કોરોના ગાઈડલાઈનમાં સરકારની બેવડી નીતિના વિરોધમાં પ્રતાપ મડઘાની પોળના ગણેશ મંડળ દ્વારા પોળના ત્રણ પ્રવેશદ્વાર પર પતરા લગાવી દેશે.

મંડળના સભ્યોનું કહેવું છે કે, સ્થાનિક પોલીસે તેમને આરતીમાં 15 લોકોને જ હાજર રહેવા જણાવ્યું છે, જો બહારથી 200 લોકો આવી જશે તો પોલીસ ગુનો નોંધશેપોળના યુવકો પર વગર કારણે પોલીસ કાર્યવાહી ન કરે તે માટે પતરા મારવાનો નિર્ણય લેવાયો છે. શહેરના અન્ય મંડળોએ પણ 15ની હાજરીની ગાઇડલાઇન ભંગની કાર્યવાહીથી બચવા માંજલપુરના રાજાના પંડાલમાં નો એન્ટ્રી કરી છેે. તો કેટલાકે તારીખ દીઠ રહીશોને હાજરી આપવા તાકીદકરી છે.

પ્રતાપ મડઘાની પોળ ગણેશ મંડળના સભ્ય જય ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાના પગલે રાજ્ય સરકારે ગણેશોત્સવને લઈને જે જાહેરનામું બહાર પાડ્યું છે,તે અમને માન્ય છે. પરંતું અમે સરકારની બેવડી નીતીનો પણ વિરોધ કરીએ છીએ. એક તરફ સત્તા પાર્ટીના કાર્યક્રમમાં શહેરમાં મશાલ યાત્રા નીકળે તેમાં 500 લોકો ભેગા થાય અને તેમાં ડી.જે પણ વાગે અને બીજી તરફ ગણેશોત્સવમાં માત્ર 15 લોકોને જ ભેગા થઈને આરતી ઉતારવાની અને સ્થળ પર પણ ડી.જે નહી વગાડવાનું આ સરકારની કેવી નિતી ? અમને સ્થાનિક પોલીસ દ્વારા આરતીમાં માત્ર 15 લોકોને જ ભેગા થવા જણાવ્યું છે.

હવે જો આરતી થાય અને બહાર થી લોકો દર્શન કરવા માટે આવી જાય અને 200 થી 300 લોકોનું ટોળું થઈ જાય,તો પોલીસ અમારા ગણેશમંડળના યુવાનો પર કેસ નોંધી કાર્યવાહી કરે. જેથી અમે ચાલુ વર્ષે નિર્ણય લીધો છે કે,જેમ યાકુતપુરામાં ધમાલ થાય અને પોલીસ દરેક પોળના નાકે પતરા મારી દે છે,તેમ પ્રતાપ મડઘાની પોળના ત્રણ નાકા પર જેમાં ટોપીવાલાનો ખાંચો, સરકારી સ્કુલનો ખાંચો અને પ્રતાપ મડઘાની પોળના મુખ્ય ખાંચા પર પતરાં મારી દેવાશે. જેથી ચાલુ વર્ષે પ્રતાપ મડઘાની પોળના ગણપતિના દર્શન શહેરની જનતા નહીં કરી શકે.

ડીજે સંચાલકોનો સૂર, અમે પોલીસની કોઇ ઝંઝટમાં પડવા માગતા નથી
ડી.જે. એસોસિયેશનના પ્રમુખ અશોક મારવાડી સહિત અન્ય ડી.જે સંચાલકો અને ગણેશ મંડળના સભ્યો સોમવારે ભાજપ શહેર પ્રમુખ વિજય શાહને મળીને ગણેશોત્સવમાં ડી.જે વગાડવા માટે પરમિશન આપવા રજૂઆત કરી હતી. જેમાં શહેર પ્રમુખે મંડપમાં ખાલી ડી જે વગાડી શકો છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસ દ્વારા મંડળોની ડી જે વગાડવાની પરમિશન નથી અપાઈ. તો ગણેશ મંડળો પણ પોતાના મંડપમાં ડીજે વગાડી કોઈ સમસ્યા પોતાના શિરે લેવા નથી માંગી રહ્યાં. આમ ચાલુ વર્ષે પણ ગણેશોત્સવમાં ડી.જે સંચાલકોને ડીજે વગાડવા પરવાનગી નથી અપાઈ.

શ્રીજી લોક સમસ્યા સાંભળતા દેખાશે
જય ઠાકોરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની મૂર્તિની ઉંચાઇ 4 ફુટની જ રહેશે. પંડાલમાં જુના વડોદરાની પ્રતિકૃતિ ઉભી કરાશે. જેમાં શ્રીજી વડની નીચે બેઠેલા હશે અને શ્રીજી પાસે વડોદરાની જનતા પોતાની સમસ્યા કહેતા દેખાતા હશે. જેનું શ્રીજી નિરાકરણ કરતા દેખાશે.

માંજલપુરમાં ચરણ સ્પર્શની પણ પાબંદી
માંજલપુરના રાજાના પંડાલમાં ભક્તો પ્રવેશ કરી શકશે નહીં. રોડ પરથી દર્શન કરવા પડશે. ગાઈડ લાઈનને અનુસરીને આરતીના સમયે ભક્તોએ રોડ પર ઊભા રહી દર્શન કરવા હોય તો કરી શકે છે. જોકે માંજલપુરના રાજાના ચરણ સ્પર્શ કોઈ ભક્ત નહીં કરી શકે. > સેતુ પટેલ, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ

પંડાલવાળા મેદાન ફરતે રેલિંગ લાગશે
અમારી સોસાયટીના 250 ઘરમાં કહી દેવાયું છે કે, 10 દિવસ દરમિયાન તેમને કયા દિવસે આરતીમાં હાજર રહેવાનું છે અથવા તો તેઓએ નક્કી કરી મંડળને જણાવી દેવાનું છે. જે ગ્રાઉન્ડમાં પંડાલ ઊભો કરાયો છે તે મેદાનની રેલિંગોને બંધ કરી લોક મારી દેવાયું છે.> ધવલ પટેલ, પરાગરાજ સોસાયટી

અન્ય સમાચારો પણ છે...