કમાટીબાગ ઝૂમાં હિપોપોટેમસે ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યાના નવ દિવસે ઝૂ સત્તાધીશોએ બોધપાઠ લીધો નથી. આ ઘટના અગાઉ એક મુલાકાતીનો મોબાઇલ વાંદરાએ ઝૂંટવી તોડી નાંખ્યો હતો. ઝૂના કર્મચારીઓ-ગાર્ડ જ નહીં રોજ આવતા 2થી 3 હજાર મુલાકાતીઓની સલામતીના નક્કર પગલા લેવાયા નથી. પાલિકાએ ઝૂની ફી રૂ.20થી વધારી રૂ.80 કરી છે પણ બીજી તરફ મુલાકાતીઓની સલામતીનો ઇરાદો નથી. ભૂતકાળમાં કૂતરાઓના હૂમલામાં 6 હરણો મર્યા હતા. પાંજરાનો મગર પણ બહાર નીકળ્યો હતો.
પ્રાણી સંગ્રહાલયની અસુરક્ષિત મુલાકાત
ત્યારે ઝૂમાં હિંસક પ્રાણીઓના પાંજરા પાસે આવતા હજારો મુલાકાતીઓ માટેની સલામતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે, ટિકિટ બારીએ જ ફર્સ્ટ એઇડ બોક્સ ન હતું. કોઇ ઇજાગ્રસ્ત થાય તો ફર્સ્ટ એઇડ શોધવા હવાતિયા મારવા પડે. આ બોક્સ ક્યાં મળશે તેની પણ કોઇ સૂચના નથી.
એશિયાટિક સિંહ કે વાઘના ઓપન એન્ક્લોઝરમાં કોઇ પડે કે જાતે ભૂસકો મારે ત્યારે બચાવ માટે નિસરણીઓ નથી. હિપોના હુમલા બાદ સુરક્ષામાં શું ફેરફાર થયો તેના જવાબમાં ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે, સિનિયર અધિકારી નથી. તે હાજર થયા બાદ નિર્ણય લેવાશે. મેયર નિલેશ રાઠોડે જણાવ્યું કે, ઘાયલોના ઇલાજ પર ધ્યાન છે. હું સરપ્રાઇઝ વિઝિટ કરીશ.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZAI)ની પાળવા જેવી ગાઇડલાઇનના પાલનની અવગણના
ટિકિટ બારીએ કહ્યું, પહેલાં જૂનું ફર્સ્ટએઇડ બોક્સ હતું
જૂના એક્વેરિયમની ટિકિટ બારીએ પૂછતાં જવાબ મળ્યો કે જૂનું ફર્સ્ટ એઇડ બોક્સ હતું, હવે નથી. એક બોક્સ ક્યુરેટરની ઓફિસમાં છે. ઝુના એન્ટ્રન્સ પર સિક્યુરિટી કેબિનમાં આયોડિયન મલમનો ડબો બતાવાયો હતો.
વાઘ-સિંહ સહિત એન્ક્લોઝર પાસે સીડીઓ રાખવાની જરૂર
વાંઘ-સિંહના એન્ક્લોઝરમાં કોઇ પડે તો બચાવની વ્યવસ્થા નથી. ગાર્ડે કહ્યું કે, દોરડું પણ નથી. સીડીની વાત જ ક્યાં છે. સિંહના એનક્લોઝરમાં પગથિયા સિંહને ઉતરવા રાખવામાં આવ્યાં હોવાનું જણાયું હતું.
કૂતરાંએ હરણોને ફાળી ખાધા પછી પણ બેફામ ફરી રહ્યાં છે
ઝૂમાં પ્રાણી ઘૂસે નહીં, પ્રાણી પાંજરામાંથી નીકળે નહીં તે માટે ઝૂ ફરતે દીવાલનો નિયમ છે. પણ કમાટીબાગમાં તે નથી. મંગળવારે હિપોના પાંજરા પાછળ કૂતરું ફરતું હતું. હરણના મોત બાદ પણ છીંડા જણાયા છે.
હિંસક પ્રાણી નીકળે તો જણાવવા સ્પીકર નથી
ઝૂમાં વાઘ-સિંહ જેવું હિંસક પ્રાણી નીકળી જાય તો મુલાકાતીઓને સાબદા કરવાની હાલમાં ઝૂમાં લાઉડસ્પીકર કે સાઇરન જેવી કોઇ વ્યવસ્થા જોવા મળી નથી. ઉપરાંત આ અંગેના કોઇ બોર્ડ પણ મૂકાયા નથી. જે મૂકવાની જરૂર છે. જોકે કમાટીબાગના પ્લેનેટેરિયમમાં હુટર હોવાની જાણ થઇ હતી. હાલમાં બગીચામાં સ્પીકરો મૂકવામાં આવ્યાં છે, જેમાં મોટે ભાગે ગીત-સંગીત વાગતું હોય છે.
ઝૂમાં મોકડ્રીલનો નિયમ, કમાટીબાગમાં નથી
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ પ્રાણી સંગ્રહાલયમાં કોઇ કટોકટીવેળા શું કરવું જોઇએ તે માટેની મોક ડ્રીલ સમયાંતરે કરવાની હોય છે. પણ કમાટીબાગ ઝૂમાં આજ દિન સુધી કોઇ પણ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી નથી. જો મોકડ્રીલ થઇ હોત તો હિપો હુમલાની દુર્ઘટનાને પણ સંભવત: ટાળી શકાઇ હોવાની શક્યતા વધી જાત.
કમાટીબાગ ઝૂમાં સરેરાશ 2000 મુલાકાતીનો ધસારો
કમાટીબાગ ઝૂમાં ટિકિટ ખરીદીને સરેરાશ 2 હજાર જેટલા મુલાકાતીઓ આવે છે. હિંસક હુમલા બાદ 10મી માર્ચથી 15મી માર્ચના 6 દિવસ દરમિયાન 12 વર્ષ સુધીની વયના 3066 અને તેથી વધુ વયના 8,644 મુલાકાતીઓ સહિતના 11,710 લોકોએ મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.