ધીમી ગતિ:નિમેટા WTP, પાણીની લાઇનની કામગીરી 2 વર્ષમાં માત્ર 30% થઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020માં શરૂ કરેલું કામ 2022માં પૂરી કરવાની હતી
  • 70% કામ બાકી હોવાથી ઇજારદારને નોટિસ અને દંડ ફટકારાશે

નિમેટામાં બનતા 50 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ 2 વર્ષમાં માત્ર 30 ટકા થયું છે. સોમવારે સ્થાયી ચેરમેને મુલાકાત લઈ તાત્કાલિક કામ કરવા તાકીદ કરી છે. કામગીરીમાં વિલંબ બદલ ઇજારદારને નોટિસ ફટકારી દંડ વસૂલાતની તજવીજ હાથ ધરી છે.

પાલિકાએ 2020માં આજવાથી નિમેટા સુધી 1500 ડાયાની લાઈન નાખવા સાથે નિમેટા ખાતે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ ઇજારદાર વેલજી રત્ના સોરઠિયાને સોંપ્યું હતું. જે પ્રોજેક્ટ 2 વર્ષ એટલે 2022 સુધીમાં પૂર્ણ કરવાનો હતો અને 64 કરોડનો ખર્ચ થવાનો હતો. આજવાથી 145 એમએલડી પાણી શહેરને મળે છે, જેમાં 50 એમએલડી વધુ પાણી લઈ શકાય તે માટે 100 વર્ષ જૂની ગાયકવાડી લાઈનોને બદલે નવી લાઈન નખાઈ રહી છે. કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પણ ગોકળ ગતિએ થઈ રહ્યું છે.

સોમવારે સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે આજવા, પ્રતાપપુરા સરોવર અને ખાનપુરમાં કામનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ આજવા ખાતે 62 દરવાજાની મરામત અને નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાઈનનું કામ ઝડપી પૂરી કરવા તાકીદ કરી હતી. લાઈન-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ 30 ટકા થયું હોવાથી ઇજારદાર વેલજી સોરઠિયાને નોટિસ-દંડ ફટકારાશે.

100 વર્ષ જૂની આયર્નની લાઇનોનો ઐતિહાસિક વારસા તરીકે સંગ્રહ કરાશે
આજવાથી નિમેટા તરફ જતી 100 વર્ષ જૂની ગાયકવાડી સમયની 750 ડાયાની 10 કિમી સુધી લાઈનોને કાઢી 1500 ડાયાની પાઇપ નખાઈ રહી છે. આ લાઈન હજી સારી છે. સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, જૂની લાઈન ઐતિહાસિક વારસો છે, તેનો સંગ્રહ કરાશે.

અન્ય સમાચારો પણ છે...