વડોદરા નકલી ડોલર ઠગાઈ કેસ:નાઇજિરિયન ગેંગનો ‘ધ બીગ સ્કેમ’નો વીડિયો જોઇ ડોલરના નામે ખેલ; બ્લેક ડોલર પાણીમાં નાખીને અસલ બનાવવાના નામે 30 લાખની છેતરપિંડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સતત વિડીયો જોઇને ટેકનિક શીખી, પહેલો શિકાર અમદાવાદના વેપારીને બનાવ્યો
  • કન્ફર્ટ ઇન હોટલમાં પ્રથમ વખત મિટિંગ યોજવામાં આવી ત્યારે રૂા. 72 રૂપિયાનો ડોલર રૂા. 55માં આપવાનું કહી લલચાવ્યા હતા

અમદાવાદના વેપારીને કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપીને વડોદરા હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક ડોલરને અસલી ડોલર બનાવાનું કહી ડોલમાં વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારી પાસેથી 30 લાખ પડાવી લેનારા 4 જણાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે કસ્ટમ અધિકારી બનેલા મુંબઇના પનવેલના શાહીદે સોશિયલ મિડીયા પર નાઇજિરિયન ગેંગના વિડીયો બ્લેક ડોલર, ધ બીગ સ્કેમ નામનો વિડીયો જોયો હતો અને ત્યારબાદ તેણે તેના મિત્ર ભરત ગીડાને આ પ્રકારે સ્કેમ થઇ શકે છે તેવી જાણ કરી હતી અને ત્યારબાદ ભાવનગરના સ્વામિનારાયણ મંદિરના પુજારી વિજય ભગતે વેપારીને ભરત ગીડા પાસે મોકલતાં ટોળકી ઠગવા માટે સક્રીય થઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચે બનાવમાં સંડોવાયેલા ભરત જગુભાઇ ગીડા (રહે, સાવરકુંડલા), મહેશ ઓધડભાઇ વાળા (રહે, સાવરકુંડલા) ઇમરાન દીનમહમંદ ભુરાની (રહે, સાવરકુંડલા) સાહીદ હનીફ નાવડેકર (રહે, પનવેલ, મુંબઇ)ને ઝડપી લઇ તેના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. તપાસમાં મુંબઇના પનવેલના શાહીદે નાઇજિરિયન ગેંગનો બ્લેક ડોલર, ધ બીગ સ્કેમ નામનો વિડીયો જોયો હતો તેમણે આ પ્રકારે કઇ રીતે ઠગી શકાય છે તે માટે સતત વિડીયો જોઇને ટેકનિક શીખી હતી અને ટેકનીક શીખી લીધા બાદ તેનો પહેલો અમલ અમદાવાદના વેપારી પર કર્યો હતો અને તેની પાસેથી 30 લાખ પડાવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઠગ ટોળકીએ અમદાવાદમાંથી બ્લેક ડોલર માટે સ્ટેશનરીની દુકાનમાંથી કોરા કાગળો ખરીદ્યા હોવાનું બહાર આવતાં પોલીસની એક ટીમ તપાસ માટે અમદાવાદમાં તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, વધુ તપાસ માટે પોલીસની એક ટીમ મુંબઇ પણ રવાના કરાશે.

બોગસ કસ્ટમ અધિકારી બનેલા શાહિદ અને ભરત ગીડાએ વડોદરાની હોટલ કન્ફર્ટ ઇન હોટલમાં પહેલી મિટીગં વેપારી સાથે કરી ત્યારે સાહિદે જણાવ્યું હતું કે પકડાયેલા બ્લેક કોટેડ ડોલર પૈકી થોડા બ્લેક કોટેડ ડોલર તેણે ચોરીછુપીથી પોતાની પાસે રાખ્યા છે અને હાલ બજારમાં ડોલરનો ભાવ 72 રુપીયા છે પણ તે 55 રુપીયામાં વેચવા માંગે છે અને તેમ કહી તેણે વેપારીને લલચાવ્યો હતો.

ભાવનગર સ્વામીનારાયણ મંદિરના પૂજારીની પણ પૂછપરછ
30 લાખ રુપીયા પૈકી 15 લાખ ભરત ગીડાને મળ્યા હતા. જેથી પોલીસની ટીમ ભરત ગીડા અને મહેશ વાળાને સાથે રાખી સાવરકુંડલા પહોંચી છે. પૈસાનું કયાં કયાં રોકાણ કર્યું છે તેની તપાસ કરાઇ રહી છે. સમગ્ર ઘટનામાં સ્વામિનારાયણ મંદિર ભાવનગરના પુજારી વિજય ભગતનું પણ નામ આવ્યું છે. વેપારીએ ધંધો સારો ચાલતો ના હોવાનું વિજય ભગતને કહેતા વિજય ભગત અગાઉ સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાથી તેમના હરીભકત અને ે એનએસયુઆઇના પુર્વ પ્રમુખ તરીકે ઓળખાણ આપતા ભરત ગીડાનો સંપર્ક કરાવ્યો હતો. પોલીસની ટીમ વિજય ભગતની પણ પુછપરછ કરશે તેમ પોલીસે જણાવ્યું હતું.

ભરત ગીડા અને શાહિદ નાવડેકર સામે ઘણા ગુના
પોલીસે જણાવ્યું હતું કે ભરત ગીડા સામે અગાઉ અપહરણ, છેતરપીંડી સહિતના ગુના તો શાહિદ નાવડેકર સામે પનવેલમાં ચોરીના વાહનના ખોટા પેપર્સ બનાવાનો ગુનો નોંધાયેલો છે. શાહીદ મુંબઇથી વાહનોના જુના ટાયરોના ધંધા માટે અવાર નવાર સાવરકુંડલા આવતો હતો ત્યારે ઇમરાન ભુવા સાથે ઓળખાણ થયા બાદ ભરત ગીડા અને મહેશ વાળા સાથે પણ તેની મિત્રતા થઇ હતી. પોલીસે આરોપીઓની સ્વીફ્ટ કાર, મોબાઇલ ફોનો, કોરા કાગળના બંડલો પણ જપ્ત કર્યા હતા અને 30 લાખ રીકવર કરવાની પ્રક્રિયા શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...