હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કોણ?:હરિધામ સોખડાના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસનું નામ મોખરે, મંદિરના સંતોની બેઠક બાદ નવા ગાદીપતિના નામની જાહેરાત કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી અને તેમના ઉત્તારધિકારી તરીકે જેમનું નામ ચર્ચામાં છે તે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી અને તેમના ઉત્તારધિકારી તરીકે જેમનું નામ ચર્ચામાં છે તે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી(ફાઇલ તસવીર)
  • 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીએ દીક્ષા લીધી હતી
  • સોખડા મંદિરના ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં છે

સોખડા હરીધામના અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું નામ મોખરે છે. મંદિરના સંતોની બેઠકમાં સોખડા મંદિરના નવા ગાદીપતિ તરીકે નામની જાહેરાત કરવામાં આવશે. અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી નવા ગાદીપતિની જાહેરાત કરવામાં આવશે. 75 વર્ષીય પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી હાલ મંદિરના કોઠારી છે.

મંદિરના સંતોની બેઠકમાં નવા ગાદીપતિનો આખરી નિર્ણય લેવામાં આવશે
હરીપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા બાદ હવે સોખડા સ્વામીનારાયણ મંદિરના નવા ગાદીપતિ અંગેની ચર્ચા ચાલી રહી છે. હરીપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે આવતા હરીભક્તોમાં પણ નવા ગાદીપતિનું નામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે મંદિરના વર્તમાન કોઠારી પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. મંદિરના સંતોમાંથી મળેલી માહિતી પ્રમાણે અક્ષર નિવાસી હરીપ્રસાદ સ્વામીએ પણ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૂચવ્યું હતું. મંદિરના મોટાભાગના સંતો અને હરીભક્તો પણ પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને નવા ગાદીપતિ તરીકે ઇચ્છી રહ્યા છે. જોકે, મંદિરના સંતોની બેઠકમાં નવા ગાદીપતિનો આખરી નિર્ણય લેવામાં આવશે.

બ્રહ્મલીન યોગીજી મહારાજે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને દીક્ષા આપી હતી
બ્રહ્મલીન યોગીજી મહારાજે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને દીક્ષા આપી હતી

યોગીજી મહારાજે પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું
પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયેલા હતા. 1962માં તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે દરમિયાન તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.

પ્રેમસ્વરૂપદાસ સ્વામી આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે
પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. તેઓની ઉંમર હાલ 75 વર્ષની છે અને હાલ તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહ્યા છે.

અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વમીજી(ફાઇલ તસવીર)
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વમીજી(ફાઇલ તસવીર)

ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં છે
પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીની સાથે ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ અક્ષર નિવાસી હરીપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં છે. તેઓ 1972માં વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. અને હરીપ્રસાદ સ્વામીથી પ્રભાવિત થઇને તેમણે 1974માં દીક્ષા લીધી હતી. તેઓ યોગી ડિવાઇન સોસાયટીના ટ્ર્સ્ટી પણ છે અને રાજકોટ આત્મીય યુનિવર્સિટી સંકુલ 1987થી સંભાળી રહ્યા છે. 67 વર્ષિય ત્યાગ વલ્લભસ્વામીએ હરીપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે પોતાના ચાલી રહેલા નામ અંગે જણાવ્યું હતું કે, હું એક નાનો સંત છું. હાલ કોઇનું નામ ચર્ચામાં નથી.

હરિપ્રસાદ સ્વામીજીના બપોરે 2: વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે 1 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવ્યા બાદ પરિસરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે. તે બાદ 2 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રસંગે સાધુ-સંતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.

ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં છે
ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં છે
અન્ય સમાચારો પણ છે...