તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધબકારા બંધ છતાં બાળકને બચાવ્યો:પાવીજેતપુરમાં મહિલાની પ્રસૂતિ બાદ નવજાતના ધબકારા-શ્વાસોશ્વાસ બંધ હતા, 108ના સ્ટાફે કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો - Divya Bhaskar
પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો
  • પાવીજેતપુર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના 108 એમબ્યુલન્સના સ્ટાફે વાઘવા ગામની મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતી કરાવી હતી, જોકે, નવજાત બાળકના ધબકારા અને શ્વાસોશ્વાસ બંધ હતા, જેથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો.

મહિલાને 6 મહિનાની પ્રેગનેન્સી હતી
બુધવારે સાંજે 7 વાગ્યે પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સના સ્ટાફને વાઘવા ગામમાંથી કોલ મળ્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન રાજુભાઇ રાઠવા અને પાઇલોટ જગદીશભાઇ રાઠવા વાઘવા ગામમાં જવા માટે નીકળી ગયા હતા. 108ના સ્ટાફે મહિલાના ઘરે પહોંચીને મહિલાની ચકાસણી કરી હતી. મહિલાને 6 મહિનાની પ્રેગનેન્સી હોવાથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી અને 108નો સ્ટાફ મહિલાને લઇને જબુગામ હોસ્પિટલ જવા માટે રવાના થયો હતો.

સ્ટાફે કૃત્રિમ શ્વાસ અને સીપીઆરથી બાળકનો જીવન બચાવ્યો
જોકે, રસ્તામાં જ મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા મહિલાની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી 108 એમ્બ્યુલન્સ સ્ટાફે મહિલાની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી, પરંતુ, મહિલાને અધૂરા મહિના હોવાને કારણે જન્મેલુ બાળક રડતું ન હતું તથા ધબકારા મળતા ન હતા અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ ચાલુ ન હતી, જેથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે જીવીકે ઇ.એમ.આર.આઇ સંસ્થા દ્વારા આપેલી ટ્રેનિંગ તથા જ્ઞાનનો ઉપયોગ કરી અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર હાજર ડોક્ટર પરમાર સાહેબની ટેલિફોનિક સલાહ પ્રમાણે જરૂરી ઇન્જેક્શન અને (બીવીએમ) એટલે કે કૃત્રિમ શ્વાસ અને સીપીઆર એટલે કે, હૃદયનું પમ્પિંગ કરીને બાળકનો જીવન બચાવ્યો હતો.

પાવીજેતપુર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી
પાવીજેતપુર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી

હોસ્પિટલ પહોંચતા જ નવજાત શિશુએ રડવાનું પણ શરૂ કરી દીધુ
જબુગામ હોસ્પિટલ પહોંચતા જ નવજાત શિશુએ રડવાનું પણ શરૂ કરી દીધુ હતું. જોકે બાળકની સ્થિતિ ગંભીર હોવાથી જબુગામ હોસ્પિટલથી બાળકને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફ તથા દર્દીના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.