વડોદરા શહેરના અક્ષર ચોક અને નિલાંબર સર્કલથી અમદાવાદ સુધી વોલ્વો બસના બે નવા રૂટ આજથી શરૂ કરવામાં આવ્યા છે. વડોદરામાં વોલ્વો બસના બે નવા રૂટ શરૂ કરવામાં આવતા હજારો લોકોને ફાયદો થશે.
વોલ્વો બસ બસ સ્ટેશન સુધી નહીં જવુ પડે
વડોદરાના પશ્ચિમ વિસ્તારના લોકો, ગ્રામ્ય વિસ્તાર જેવા કે પાદરા, ભાયલી, બિલ, અટલાદરા, સેવાસી, ગોત્રી, ખાનપુર, શેરખી સહિત અનેક વિસ્તારના નાગરિકોને હવે અમદાવાદ જવા માટે વોલ્વો બસ બસ સ્ટેશનથી નહીં પકડવી પડે. રાજ્ય સરકારે વડોદરા શહેરમાં અક્ષર ચોકથી અમદાવાદ અને નીલાંબર સર્કલથી અમદાવાદ એમ વોલ્વો બસના બે નવા રૂટ શરૂ કર્યાં છે. આજે સવારે અક્ષર ચોક પર વોલ્વો બસના નવા રૂટ શરૂ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યમંત્રી યોગેશ પટેલ, અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કોર્પોરેટરો, જીએસઆરટીસીના અધિકારીઓ સહિત અનેક લોકો હાજર હતા.
વોલ્વોને લીલીઝંડી બતાવી અક્ષર ચોકથી અમદાવાદ જવા રવાના કરી
આ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોએ વોલ્વો બસને લીલીઝંડી બતાવી અક્ષર ચોકથી અમદાવાદ જવા માટે રવાના કરી હતી. વોલ્વો બસની પૂજા કરીને શ્રીફળ પણ વધેરવામાં આવ્યું હતું. અક્ષરચોકથી અમદાવાદ બસ સવારે 8 વાગે ઉપડશે, જ્યારે નીલાંબર સર્કલથી અમદાવાદ માટે બસ સવારે 7.30 વાગે ઉપડશે.
વોલ્વો બસના નવા રૂટ શરૂ થતાં હજારો મુસાફરોને ફાયદો થશે
નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે કાર્યક્રમમાં કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાલક્ષી કામો અને નિર્ણયો કરે છે. વોલ્વો બસના નવા રૂટ શરૂ થતાં હજારો મુસાફરોને ફાયદો થશે. લોકોને બસ સ્ટેશન સુધી લાંબુ થવું નહીં પડે.
મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી હતી
અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ જણાવ્યું હતું કે, અકોટા વિધાનસભાની જનતાએ અનેકવાર વોલ્વો બસના રૂટ આ વિસ્તારમાંથી શરૂ કરવા રજૂઆત કરી હતી, જેથી તેમને પત્ર લખી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી હતી. પત્ર લખ્યાના એક માસમાં જ સરકારે વોલ્વો બસના નવા રૂટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે, જેનાથી હવે હજારો લોકોને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.