કોરોનાની કસર:લગ્ન પ્રસંગોમાં હવે નવી પરંપરા દરેક વિધિના મહેમાન જુદા જુદા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં શહેરમાં 1 હજારથી વધુ લગ્નો યોજાશે
  • આગામી 2 મહિના માટે શહેરના 500 પાર્ટીપ્લોટ, હોલ અને વાડીનાં બુકિંગ ફુલ થયાં

15 નવેમ્બરે દેવઉઠી એકાદશીથી લગ્નસરાની સિઝન શરૂ થઈ જશે. કોરોનાની કસર નીકળતી હોય તેમ 16 નવેમ્બરના પહેલા મૂર્હુતમાં જ શહેરમાં 100 જેટલા લગ્નોનું બુકિંગ હોલ-પાર્ટીપ્લોટમાં થયું છે. નવેમ્બર અને ડિસેમ્બરને લઇને 500 જેટલા પાર્ટીપ્લોટ, હોલ અને વાડીમાં બુકિંગ ફુલ છે. લગ્નની સીઝનમાં ચાલુ વર્ષે 60 લગ્નોનું મૂર્હુત છે. જેમાં 16 નવેમ્બરે પહેલું અને 8 જુલાઈએ છેલ્લું મૂર્હુત છે. કોરોના બાદ ચાલુ વર્ષે લગ્નો મોટી સંખ્યામાં યોજાવાના હોવાથી ફરાસખાનું, ડેકોરેશન, ફુલ સહિતના માર્કેટમાં ફરી તેજી આવશે.

બીજી તરફ મહેમાનો સંખ્યા મર્યાદિત રાખવાની ગાઇડ લાઇનને પગલે નવી પરંપરા જોવા મળી રહી છે, જે અંતર્ગત એક જ લગ્નના જુદા જુદા પ્રસંગોમાં અલગ-અલગ મહેમાનોને આમંત્રીને સંબંધી-મિત્રોને સાચવી લેવાય છે. ચાલુ વર્ષે એનઆરઆઈના લગ્નોનું આયોજન ઓછું થવાનું છે.

જેમાં પાર્ટીપ્લોટના સંચાલકોના મતે એરટિકિટના ભાવમાં વધારો તેમજ કોરોના બાદ એનઆરઆઈને વિદેશી કંપનીઓમાંથી રજા ન મળવા સહિતના કારણોને પગલે એનઆરઆઈ લગ્નોનું આયોજન 50 ટકા ઓછું થઈ રહ્યું છે. ચાલુ વર્ષે લગ્નોમાં બેન્ડ અને ડીજેની મંજૂરી નથી. માત્ર એક સ્થળ પર ડીજે મુકીને વગાડવાની પરમીશન છે. લગ્ન સિઝનમાં જો ગાઈડલાઈનમાં સરકાર દ્વારા જો ફેરફાર કરાશે તો પાર્ટીપ્લોટ,હોલ કે વાડી સંચાલકો અન્ય તારીખ બુક કરી આપશે.

લગ્નના પ્રસંગ વધ્યા: 3-4 કલાકને બદલે હવે સવારથી રાત સુધી લગ્ન યોજાય છે
કોરોના મહામારીમાં સરકારે લગ્નોમાં 400 મહેમાનોને જ બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઓછી છતાં પ્રસંગોમાં પણ વધારો થયો છે. જેમાં મહેંદી, સંગીતનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત જે લગ્નો 3 થી 4 કલાકમાં પુરા થતા હતા તે હવે સવારથી શરૂ થઈ રાત સુધી યોજાઈ રહ્યાં છે. આ ઉપરાંત અનેક લોકોએ મહેંદી, સંગીત, લગ્ન અને રીસેપ્શનમાં અલગ અલગ મહેમાનોને બોલાવીને 1 હજારથી ઉપર મહેમાનોને આમંત્રિત કરીને તમામ સગા-સંબંધીઓને સાચવી લીધા છે.

નવો ટ્રેન્ડ, ફાર્મ હાઉસનું 3થી 4 દિવસનું પેકેજ બુક કરાવ્યું
કોરોના મહામારીમાં લગ્નમાં 400 જેટલા આમંત્રિતોને જ હાજરી આપવાની હોવાથી શહેરીજનોએ પાવાગઢ ઉપરાંત વડોદરા જિલ્લાના ફાર્મ હાઉસ 3 થી 4 દિવસ માટે બુક કરાવી લીધા છે. જેમાં 400 આમંત્રિત મહેમાનોને ચાર દિવસ ફાર્મહાઉસમાં જ રાખીને મહેંદી, સંગીત, સ્ટેજ ડાન્સ, લગ્ન અને રીસેપ્શનના કાર્યક્રમો રાખ્યાં છે.

ડેસ્ટિનેશન વેડિંગ, 2 માસમાં રાજસ્થાનમાં 300થી વધુ લગ્ન
નવેમ્બર-ડિસેમ્બરમાં શહેરીજનોએ રાજસ્થાનના ઉદેપુર, જેસલમેરમાં લગ્નોનું આયોજન કર્યું છે. એક અંદાજ મુજબ બે માસમાં રાજસ્થાનમાં 300થી વધુ ડેસ્ટીનેશન વેડિંગનું આયોજન કરા્યું છે. પાવાગઢ (ચાંપાનેર), રાજપીપળા, શિવરાજપુર બીચ (દ્વારકા), સફેદ રણ લગ્ન પહેલાના ડેસ્ટિનેશન ફોટોશુટ માટે ફેવરીટ બન્યાં છે.

શુભ મુહૂર્ત, નવે.-ડિસેમ્બરની 6 તારીખોમાં સૌથી વધુ લગ્નો
હોલ-પાર્ટીપ્લોટના સંચાલકોના જણાવ્યા અનુસાર, નવેમ્બર અને ડિસેમ્બરની 6 તારીખોમાં સૌથી વધુ લગ્નો શહેરમાં યોજાવાના છે. જેમાં 16 અને 20 નવેમ્બર અને 4,11,12 અને 13 ડિસેમ્બર ના રોજ શહેરમાં સૌથી વધુ લગ્નો યોજાવાના છે. જ્યારે બંને મહિનામાં 30 થી 32 જેટલા દિવસોમાં લગ્નોના મુહૂર્ત છે.

રિસોર્ટમાં પણ 20થી વધુ બુકિંગ નવેબમ્બર-ડિસેમ્બર માટે થયાં
​​​​​​​ મારા રિસોર્ટમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જ 20 થી વધુ બુકીંગ થઈ ગયા છે.રિસોર્ટ હોવાથી પરિવારજનોએ 2 થી 3 દિવસના તમામ કાર્યક્રમોનું એક સાથે બુકીંગ લઈ લીધું છે. ચાલુ વર્ષે લગ્નની સીઝનમાં રિસોર્ટ,પાર્ટીપ્લોટ સહિત તમામ સ્થળે બુકીંગ ફુલ થઈ ગયા છે.જો કે સરકારે થોડી છુટછાટ આપી છે એટલે સારું થયું છે.

પાર્ટીપ્લોટ, વાડી અને હોલમાં સિઝનમાં 20 થી 25 બુકિંગ છે
શહેરમાં 125 થી 150 જેટલા પાર્ટીપ્લોટ અને 200 જેટલા વાડી અને હોલ છે. તમામ પાસે લગ્નસરાની સીઝનમાં 20 થી 25 બુકિંગ છે.તમામ બુકિંગ ફુલ થઈ ગયા હોવાથી હવે અનેક સ્થળો પર લગ્ન-જનોઈ માટે બુકિંગ પણ બંધ કરી દેવાયા છે. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ 1 હજારથી વધુ લગ્નો શહેરમાં યોજાવાના છે.

અન્ય સમાચારો પણ છે...