પિતા-પુત્રની નવી તરકીબ:વડોદરામાં રાત્રે દુકાનોના જૂનાં તાળાં તોડી નવા મારી દઈ મળસ્કે ચોરી કરતા હતા, અત્યાર સુધીમાં કુલ 9 સ્થળોએ 17 ચોરી કરી

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુદામાલ સાથે પકડાયેલા આરોપી પિતા પુત્ર - Divya Bhaskar
મુદામાલ સાથે પકડાયેલા આરોપી પિતા પુત્ર
 • ગ્રાહકના સ્વાંગમાં શેડ- દુકાનોમાં જઈ રેકી, પોતે મારેલુ તાળુ ખોલી સવારે બિન્દાસ્ત વાનમાં સામાન ભરી જતા હતા

વડોદરા સહિત રાજ્યમાં સ્ક્રેપ-હાર્ડવેર ગોડાઊન તેમજ વ્હિકલને ટાર્ગેટ કરીને કુલ 17 જેટલી ઘરફોડ તેમજ વાહન ચોરી કરનારા પિતા-પુત્રને પીસીબીએ ઝડપી લીધા છે. આરોપીઓએ વડોદરામાંથી 9 સ્થળો પર ચોરીની કબુલાત કરી છે. આરોપીઓ રેકી દરમિયાન શેડ તેમજ દુકાનના શટરમાં પોતે લાવેલા તાળા મારી વહેલી સવારના ચોરી કરતા હતા.પોલીીસે બંનેની ગહન પુછપરછ શરુ કરી છે.

પીસીબી પીઆઈ જે.જે.પટેલ અનુસાર, પોલીસે બાતમીના આધારે મકરપુરા જીઆઈડીસી સ્મશાન પાસેથી મહિન્દ્રા બોલેરો ટ્રક સાથે બે આરોપીઓને શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસ પૂછપરછમાં બંને આરોપી પિતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી રૂા.9.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી પિતા રમેશ ઉર્ફે રામજી ઉર્ફે રમણ ઉર્ફે રામાભાઈ કરશનભાઈ પંચાલ (ઉ.વ.72) અને પુત્ર સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદિપ ઉર્ફે પીન્ટુ ઉર્ફે નિખીલ ઉર્ફે રૂડો રમેશ પંચાલ (ઉ.વ.49, બંને રહે-રત્નહેવન સોસાયટી, કપુરાઈ ગામ પાસે) ગ્રાહકના સ્વાંગમાં જીઆઈડીસીના શેડ તેમજ દુકાનોમાં જઈ રેકી કરતા હતા.

રેકી દરમિયાન શેડ તેમજ દુકાન બંધ થતા તેના શટરના નકુચા- તાળા તોડી પોતાની પાસેના નવા તાળા મારી દેતા હતા. ત્યાર બાદ વહેલી સવારે બોલેરો પીકઅપ વાન લઈ જે તે દુકાન અને શેડમાં પહોચીને ચાવી થી તાળા ખોલી ચોરી કરતા હતા.ચોરી દરમિયાન કોઈ જોઈ જાય તો ગ્રાહકને માલની ડિલીવરી કરવાની હોવાથી શેડ-દુકાન ખોલી છે અને પોતાની પાસે રહેલી ચાવી બતાવતા હતા.ચોરી કરેલો માલ ઘરે સંતાડીને આરોપી અમદાવાદના જુદા જુદા વેપારીઓને વેચતા હતા. પોલીસે બંને પાસેથી મુદ્દામાલ તરીકે કુલ 90 વસ્તુઓ કબજે કરી છે.

કયાંથી ચોરી કર્યાની કબૂલાત ?

 • અમદાવાદ સોનીની ચાલી થી ઓઢવ ફાયર બ્રિગેડ વચ્ચે ભંગારની દુકાન પાસે ગેરેજમાંથી મહિન્દ્રા પીકઅપની ચોરી
 • મહેમદાબાદની ખાત્રેજ ચોકડી સ્થિત હોન્ડાના શોરૂમમાંથી બાઈક, એક્ટિવા અને હેલ્મેટની ચોરી
 • અમદાવાદ કઢવાડા સર્કલ પાસે કોર્પોરેશનના જનરેટરની ચોરી
 • ઓઢવ પુલ પાસે ફેબ્રિકેશનના કારખાનામાંથી ચોરી
 • ઓઢવ પુલ પાસે ભંગારના ગોડાઉનમાંથી ચોરી
 • ઓઢવ પુલ પાસે કારખાનામાંથી ચોરી
 • ઈસનપુર બ્રિજ નીચે ફટાકડા અને પતંગની ચોરી
 • ઓઢવ પોલીસ સ્ટેસનની બાજુમાંથી ગાડી ધોવાનું મશીન અને હવા ભરવાના કોમ્પ્રેસરની ચોરી
 • વટવા જીઆઈડીસીની દુકાનમાંથી પતરા અને સળીયાની ચોરી
 • વડોદરામાં પરીવાર ચાર રસ્તા પાસે ચામુન્ડા સ્ટીલ દુકાનમાં ચોરી
 • વાઘોડિયા રોડ પર આવેલી આશાપુલા સ્ટીલ વર્કર્સ દુકાનમાં ચોરી
 • ડભોઈ રોડ પર આનંદ એસ્સેટમાં ફર્મા રીપેરીંગની દુકાનમાં ચોરી
 • ડભોઈ રોડ સોમાતળાવ રોડ પર સ્વસ્તીક ફાયબર દુકાનમાં ચોરી
 • વડોદરા વૃંદાવન ચાર રસ્તાથી બાપોજ જવાના રોડ પર ન્યુ ભવાની ઈલેક્ટ્રીક દુકાનમાં ચોરી
 • મકરપુરા જીઆઈડીસી મહેતા સ્ટીલની દુકાનમાં ચોરી
 • મકરપુરા જીઆઈડીસીમાં મહાવીર સ્ટીલના ભંગારના ગોડાઉનમાં ચોરીની કોશિશ
 • મકરપુરા જીઆીડીસીમાં ભવ્યા મેટલની દુકાનમાં ચોરી

પિતા-પુત્ર સામે 10થી વધુ પોલીસ મથકે ગુના
બાપ-બેટા સામે અમદાવાદના રામોલ, ઓઢવ, ઘાટલોડીયા, બાપુનગર, વટવા, વટવા જીઆઈડીસી, અમરાઈવાડી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લાના કલોલ, કડી પોલીસ સ્ટેશન, મહેસાણા ટાઉન, બી ડિવીઝન, આણંદ ટાઉન તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશન, નડિયાદ જિલ્લામાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનિય છે કે સંજય પંચાલ વર્ષ 2016-17માં ત્રણ વર્ષની સજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...