મંજૂરી:કટાઈ રહેલાં ટ્રી ગાર્ડ વચ્ચે 31% વધુ ભાવે નવાં ખરીદાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 માસથી લોકોને ટ્રી ગાર્ડ અપાતાં નથી
  • ટ્રી ગાર્ડની ખરીદીની મર્યાદા 75 લાખ કરાઈ

ચોમાસામાં છોડ વાવ્યા બાદ તેના રક્ષણ માટે ગાર્ડ લગાવવામાં આવે છે. એક તરફ કમાટીબાગમાં 500 જેટલાં ટ્રી ગાર્ડ ઉપયોગ વિના કટાઈ રહ્યાં છે. બીજી તરફ પાલિકાએ 31.19 ટકા વધુ ભાવ ખર્ચીને નવા ટ્રી ગાર્ડ લેવાનું નક્કી કર્યું છે. આ વર્ષે 75 લાખની મર્યાદામાં ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવશે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી અપાઈ છે.

સામાન્ય રીતે ચોમાસામાં પાલિકા વૃક્ષારોપણના કાર્યક્રમ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને સોસાયટીમાં ટ્રી ગાર્ડ આપતી હોય છે. આ વર્ષે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રી ગાર્ડ ખરીદવા મંજૂરી અાપવામાં આવી છે. ગત વર્ષે રૂા.50 લાખની મર્યાદા ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવી હતી.

જોકે આ વર્ષે હાલમાં રૂા.25 લાખ વધારી 75 લાખની મર્યાદામાં ટ્રી ગાર્ડ ખરીદવાની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં આવી હતી. જેમાં ઇજારદાર દ્વારા 31.19 ટકા વધુ ભાવ ભરવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી છે. પાલિકાને એક ટ્રી ગાર્ડ રૂા.837માં ખરીદવું પડશે. ટ્રી ગાર્ડ સાંસદ, ધારાસભ્ય, ઝોન કચેરી અને કાઉન્સિલરોના ક્વોટામાંથી ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 4 મહિના અગાઉથી લોકોને ટ્રી ગાર્ડ આપવાનાં બંધ કરાયાં હતાં. જ્યારે બીજી તરફ પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે કમાટીબાગમાં 500 જેટલાં ટ્રી ગાર્ડ વણવપરાયેલાં મળી આવ્યાં હતાં, જેના કારણે પાલિકાની બેદરકારી છતી થઈ હતી. આ અંગે તંત્રે એવું કારણ રજૂ કર્યું હતું કે, પાલિકાના કાર્યક્રમમાં જરૂર પડે તો શોધવાં ન પડે તે માટે ટ્રી ગાર્ડ મૂકી રખાયાં છે.

અન્ય સમાચારો પણ છે...