વડોદરાની સયાજી હોસ્પિટલમાં મધ્ય પ્રદેશના એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને વેદનામુક્ત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે.
ગાંઠ ગળા અને મગજ સુધી ફેલાઇ હતી
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, આ બાળક છેલ્લા ત્રણ વર્ષથી મિક્સોઇડ ટ્યુમર નામક ગંભીર બીમારીથી પીડાતું હતું. આ એક જવલ્લેજ જોવા મળતી અસાધારણ બીમારી છે. જેની સારવાર અને શસ્ત્રક્રિયામાં ખૂબ કુશળતાની જરૂર પડે છે. સાત વર્ષની ઉંમરનું આ બાળક જ્યારે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેના કાનમાં થયેલી આ દુર્લભ ગાંઠે ગળા અને છેક મગજ સુધીના ભાગને પોતાની વિકૃતીના પ્રભાવમાં લઈ લીધો હતો. ખાનગી હોસ્પિટલના ઈલાજ દરમિયાન એનું પ્રાથમિક નિદાન થયું હતું પરંતુ નિવારણ શક્ય બન્યું ન હતું.
સયાજી હોસ્પિટલમાં થઇ સારવાર
જેથી પરિવારે આ બાળકને સયાજી હોસ્પિટલના ઈ.એન.ટી.વિભાગમાં સારવાર માટે દાખલ કર્યું. આ ગાંઠ ખૂબ જ ફેલાઈ હોવાથી અને બાળક નાની ઉંમરનું હોવાથી શસ્ત્રક્રિયા જોખમી હતી. જો કે સંજોગો સામે હાર ન માનતા વિભાગની ટીમે બાળકની જરૂરી તમામ તકેદારીઓ લઈને,તબીબી જ્ઞાન અને કૌશલ્યોનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા કરી અને તે સફળ રહી. હાલમાં આ બાળ દર્દી વેદનામુકત સામાન્ય જીવન જીવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.