ભાસ્કર એક્સકલૂઝિવ:ન્યુજર્સી કોર્ટે સાધલીના અમિતને પુત્રના અપહરણ બદલ 3 વર્ષની કેદ, અઢી લાખ ડોલર દંડ ફટકાર્યો

વડોદરા21 દિવસ પહેલાલેખક: નિરજ પટેલ
  • કૉપી લિંક
અમિત - Divya Bhaskar
અમિત
  • પતિએ કરેલા પુત્રના અપહરણ સામે માતાને પાંચ વર્ષે જીત મળી
  • પુત્રની માતા અને અમિતની પત્નીએ FBIની મદદ લઇ ન્યૂજર્સીની અદાલતમાં જીત મેળવી

વિદેશી મુરતિયાની લહાયમાં છેતરપીંડીનો ભોગ બનેલી યુવતીને પુત્રનું અપહરણ કરનાર પતિની સામે ન્યુજર્સીની કોર્ટમાં જીત મળી છે. પુત્રનું અપહરણ કરનાર સાધલી ગામના યુવકને અમેરિકાની ન્યુજર્સી અદાલતે ત્રણ વર્ષની જેલ અને અઢી લાખ ડોલરના દંડ સુધીની સજાને પાત્ર ઠેરવ્યો હોવાની માહિતી બહાર આવી છે. પુત્રનો કબજો મેળવવા FBIની મદદથી પાંચ વર્ષથી શહેર નજીકની હાલ અમેરિકા રહીને એકલા હાથે ઝઝૂમતી માતાની જીત થઇ છે.

સાધલી ગામે ટેકરા શેરીમાં રહેતા કનુભાઈના પુત્ર અમિતે અમેરિકા જઇ શહેર નજીકના ગામની ન્યુ જર્સી રહેતી યુવતી સ્વીટી (નામ બદલ્યું છે) સાથે સોશિયલ મિડીયા થકી સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. જે પ્રેમમાં બદલાતા લગ્નનું વચન આપી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. અગાઉ કરેલા લગ્નનો ડીવોર્સ કેસ પત્યા બાદ લગ્ન કરવાનુ વચન આપ્યું હતું. અમિતે સાધલી રહેતા પિતા કનુભાઈ અને માતા લીલાબેન સાથે વિડિયો કોલથી વાત પણ કરાવી હતી. બંનેએ મંજુરી આપી હતી. ત્યાર બાદ સ્વીટી ગર્ભવતી બની હતી.

એ સમયે અમિતના માતા-પિતા અમેરિકા આવ્યા હતા. ત્યારબાદ એમનું વર્તન બદલાઈ ગયું હતું અને સ્વીટી ગર્ભવતી હોવા છતાં મારીને અપશબ્દ બોલતા હતા. અમિતનું વર્તન બદલાઈ ગયું હતું. ગર્ભપાત થાય તેવી ગોળી ગળાવી હતી. નવેમ્બર 2016માં સ્વીટીએ પુત્રને જન્મ આપ્યો હતો. અમિતના બદલાયેલા વર્તન છતાં પુત્રના ભવિષ્યને ધ્યાને રાખી મૂંગા મોઢે સ્વીટી બધું સહન કરતી હતી. દરમ્યાન ખબર પડી હતી કે અમિતે અગાઉ અમેરિકામાં કરેલા બે લગ્નની વાત તેણે સ્વીટીથી છુપાવી હતી.

પુત્ર 8 મહિનાનો થતાં સ્વીટીને પ્લાન મુજબ ભોળવી અમિતે કોર્ટમાં લઇ જઇ બાળકને બતાવવા ભારત લઈ જવાનું કહી કોર્ટમાંથી કામચલાઉ કસ્ટડી મેળવી હતી. ડીએનએ ટેસ્ટને બહાને ભારત લઈ ગયો હતો. પછી સ્વીટીના ફોન લેવાનું બંધ કર્યું હતું.સ્વીટીએ ન્યુજર્સીના પોલીસ મથકે અમિત સામે પુત્રના અપહરણની ફરિયાદ કરી હતી.

બાદમાં ફેમિલી કોર્ટમાંથી અમિત પાસેની બાળકની કસ્ટડી કેન્સલ થવા છતાં અમિત બે વર્ષ સુધી બાળકને લઈ અમેરિકા નહિ આવતા અમેરિકાની સર્વોચ્ય એજન્સી એફબીઆઇ પાસે સ્વીટી પુત્રનો કબજો મેળવવા પહોચતાં એફબીઆઇના પ્રયત્નોથી અમિતને બાળક સાથે લંડનના હિથ્રો એરપોર્ટ પરથી ઓકટોબર 2020માં ઝડપી અમેરિકા પ્રત્યાપર્ણથી લવાયો હતો.

જ્યાં અદાલતે 22 જુલાઇ 2022એ અમિતને ત્રણ વર્ષ સુધીની સજા અને અઢી લાખ ડોલરના દંડની સજાને પાત્ર ઠેરવ્યો હતો. કાયદાની આંટીઘૂંટીનો લાભ લઇ લંડનથી પુત્રને પાછો સાધલી દાદા-બા પાસે મોકલાયો છે. અમેરિકી કોર્ટના ચુકાદા બાદ માતા સાથે ભેટો થશે એવી આશા સ્વીટીએ વ્યક્ત કરી છે.

અનેક યુવતીઓને છેતરનાર અમિત યુકેના હિથ્રો એરપોર્ટ પરથી પુત્ર સાથે પકડાયો હતો
અમેરિકામાં ત્રણ યુવતીઓને છેતરી પુત્રનું અપહરણ કરી ભારત ભાગી આવેલા અમિતે પાટણ, ચરોતર અને વડોદરાની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા લગ્નનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભાંડો ફૂટતાં યુકે રહેતી બહેન ભાવિશા અને જીજાજી સેમ્યુઅલની મદદથી લંડનમાં અન્ય યુવતી જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ માટે લંડન જતા જ એફબીઆઇની રેડ કોર્નર નોટિસના કારણે હિથ્રો એરપોર્ટ ઉપર ઝડપી લેવાયો હતો.

પુત્ર સાથે મિલન બાદ જ મારી લડાઇ પૂરી થશે
મૂળ શહેર નજીકના ગામની અને હાલ અમેરિકામાં રહેતી અને પુત્રના અપહરણ બાદ પાંચ વર્ષથી જંગે ચડેલી માતા સ્વીટીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિતને અમેરિકા લાવી સજા આપવામાં એફબીઆઇ સફળ રહી છે. પરંતુ હાલ સાધલીમાં રહેતા મારા 6 વર્ષના પુત્રને પણ મને સોંપવાનો અદાલતે આદેશ કર્યો છે. જ્યાં સુધી મારો પુત્ર મને પરત નહિ મળે ત્યાં સુધી હું આ લડાઇ ચાલુ જ રાખીશ.

અન્ય સમાચારો પણ છે...