તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરીફ ઉમેદવારનું ષડ્યંત્ર:પાલેજના જિલ્લા પંચાયતના સભ્યને ગેરલાયક ઠેરવવા ભત્રીજાને ત્રીજું સંતાન બતાવ્યું, જન્મનો દાખલો કઢાવી રજૂ કર્યો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલેજ ગ્રામ પંચાયત - Divya Bhaskar
પાલેજ ગ્રામ પંચાયત
  • હરીફ ઉમેદવારે ખોટો જન્મ દાખલો રજૂ કરી ગ્રામ પંચાયતનું સભ્યપદ પણ રદ કરાવ્યું હતું
  • આખરે ભાંડો ફૂટતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ભરૂચના પાલેજની જિલ્લા પંચાયતના સભ્યનો ભત્રીજો સભ્યનો પુત્ર હોવાનો ખોટો જન્મનો દાખલો કઢાવીને તેમનું ગ્રામપંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતમાંથી પણ સભ્યપદ રદ કરાવવા માટે કરાયેલા ષડયંત્ર અંગે પાલેજના સલીમખાં પઠાણ સહિત અન્ય વ્યક્તિઓ વિરૂધ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

પાલેજની અંકુર સોસાયટીમાં રહેતા સલીમખાં રહેમાનખાં પઠાણ (ઉ.વ.54)ની રાવપુરા પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદ અનુસાર, તેઓએ વર્ષ 2021માં પાલેજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ પાર્ટીના ઉમેદવાર તરીકે જીત મેળવી છે. તેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કાર્યરત છે. સલીમખાં પઠાણના નાના ભાઈ રહીમખાં પઠાણની પત્નીએ 1 માર્ચ 2010ના રોજ મકરપુરા વિસ્તારની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ મહંમદમોઈનુદ્દીનખાન રહેમાનખાન પઠાણ રાખ્યું હતું. અને તેનો જન્મનો દાખલો વડોદરા બદામડીબાગ ખાતેથી મેળવ્યો હતો.

ફરીયાદીનો આક્ષેપ છે કે, વર્ષ 2012માં પાલેજની ચંદ્રનગર સોસાયટીમાં રહેતા સલીમખાં નિઝામખાં પઠાણ પાલેજ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયા હતાં. અને ફરિયાદી સલીમખાં પઠાણ ગ્રામપંચાયતની ચૂંટણી જીતી ગયા હતાં. ત્યાર બાદ સલીમખાં પઠાણે ફરિયાદીનો ભત્રીજો જ ફરીયાદીનો પુત્ર છે તેવો ખોટો જન્મનો દાખલો કઢાવ્યો હતો. જે આધારે જાન્યુઆરી 2012માં તાલુકા વિકાસ અધિકારીને સલીમખાં પઠાણે અરજી કરીને ફરીયાદીને ત્રીજુ સંતાન છે તેવું સાબીત કરીને ફરિયાદનું ગ્રામપંચાયતનું સભ્ય પદ રદ કરાવ્યું હતું.

તાલુકા વિકાસ અધિકારીએ સભ્યપદ રદ કરવાના કરેલા હુકમને ફરિયાદીએ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. દરમિયાન હાઈકોર્ટ દ્વારા એપ્રીલ 2019માં પંચાયતનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવાથી કોઈ ઓર્ડર કરવાનો રહેતો નથી જેથી પીટીશન ડિસ્પોઝ કરી હતી. જેથી ફરિયાદીએ નવેમ્બર 2020માં ભરૂચના જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીના હુકમને રદ કરવા માટે અરજી કરતા આ હુકમ રદ કરાયો હતો. દરમિયાન ફેબ્રુઆરી 2021માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરિયાદી વિજય થયા હતાં.જેની સામે મહંમદઅફજલ યુસુફ ઘોડીવાલા ચૂંટણી હારી ગયા હતાં. મહંમદઅફજલ દ્વારા પણ ફરિયાદીને ત્રણ સંતાનો છે તેના આધારે તેમનું સભ્યપદ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

ફરિયાદીનો આક્ષેપ છે કે, સલીમખાં નિઝામખાં પઠાણ (રહે-ચંદ્રનગર સોસાયટી,પાલેજ)એ અન્ય વ્યક્તિઓ સાથે મળીને કાવતરૂ રચીને ફરિયાદીનો ભત્રીજો મહંમદમોઈનુદ્દીનખાન રહેમાનખાન પઠાણ જ ફરીયાદીનો પુત્ર છે તેવો ખોટો જન્મનો દાખલો રાવપુરા ખાતેથી કઢાવીને તેનું રસીકરણ વડોદરા થયું હોવા છતા ભરૂચની હોસ્પિટલમાં કરાવ્યું હોવાના ખોટા કાગળો બનાવીને ફરીયાદીનું સભ્યપદ રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને ખોટી અરજી કરીને દસ્તાવેજો રજુ કરી કાવતરૂ કર્યું હોવા બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સલીમખાં પઠાણ અને અન્ય વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...