તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રેલવે સ્ટેશન પર RTPCR રિપોર્ટ વિના આવતા અન્ય રાજ્યોના યાત્રીને ટેસ્ટ વિના છોડી મૂકવાની બેદરકારી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન પર ટેસ્ટ કરીને જ યાત્રીઓને શહેરમાં પ્રવેશ આપવાના સૂચનનું સૂરસુરિયું

વડોદરા રેલવે સ્ટેશન પર રોજ બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરો આરટીપીસીઆર ટેસ્ટ વગર શહેરમાં પ્રવેશતા સંક્રમણની સંભાવના વધી છે. રેલવે સ્ટેશન પર જ આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ કરી તેમને પ્રવેશ અપાય તે માટે રેલવે પોલીસ દ્વારા પાલિકાને 3 દિવસ પહેલાં પત્ર પણ લખ્યો છે.

બીજી તરફ સ્ટેશન પર ટેસ્ટની સુવિધા ન હોવાથી આરટીપીસીઆર રિપોર્ટ વગરના મુસાફરોને જામીન આપી છોડી મૂકવા પોલીસની મજબૂરી બની છે. રેલવે પોલીસ રોજના 8 થી 10 લોકોને આરટીપીસીઆર રિપોર્ટ વગર ઝડપી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરે છે.

રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.બી.જાડેજાએ જણાવ્યું કે, રેલ્વે સ્ટેશન પર રોજ બહારના રાજ્યના સેંકડો મુસાફરો ઉતરે છે. જેમાંથી 5 ટકા લોકો પાસે આરટીપીસીઆર ટેસ્ટ હોતા નથી. સ્ટેશન પર રોજ 10 જેટલા લોકો આરટીપીસીઆર રિપોર્ટ વગર પકડાય છે.

પોલીસ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી જામીન પર છોડી મુકે છે. તેઓ શહેરમાં પ્રવેશી ટેસ્ટ કરાવે છે કે કેમ તે અંગે રેલવે પોલીસને જાણ હોતી નથી. સયાજીગંજ પોલીસે થોડા દિવસ પહેલા રેલ્વે સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરીને રેલ્વે સ્ટેશન પર રેપીડ કે આરટીપીસીઆર ટેસ્ટ વગર લોકોને શહેરમાં પ્રવેશ ન આપવા સૂચન કર્યું હતું. આ અંગે ડે.કમિશનર સુધીર પટેલે કહ્યું હતું કે, રેલવે પોલીસે પાલિકાને ટેસ્ટ માટે મેડિકલ ટીમની જરૂર અંગેનો પત્ર મળ્યો છે. આ અંગે મ્યુ. કમિશનર સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે.

રિપોર્ટ વિનાના રોજ 10થી વધુની એન્ટ્રી
પીઆઈએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવે પોલીસ દ્વારા 3 દિવસ પહેલાં વીએમસીને પત્ર લખીને જણાવ્યું છે કે, રોજેરોજ સ્ટેશન પર સેંકડો મુસાફરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. દિવસના 10 થી વધારે મુસાફરો આરટીપીસીઆર ટેસ્ટ વગરના હોય છે. રેલવે પોલીસ પાસે આ મુસાફરોના આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ કરવા માટે કોઈ સુવિધા પણ નથી. જેથી ડોક્ટરની એક ટીમ રેલ્વે સ્ટેશન પર ફાળવવામાં આવે. આ ઉપરાંત પોઝિટિવ મુસાફરોને સારવાર માટે ક્યાં દાખલ કરવા તે અંગે પણ પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...