બેદરકાર તંત્ર:ગોરવા પોલીસની 63 દિવસે ચાર્જશીટ મૂકવામાં નિષ્કાળજી, બે બૂટલેગરોને જામીનનો લાભ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઇમાં બિશ્નોઈ ગેંગનો દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને પકડ્યા હતા
  • કોર્ટે પોલીસની ગંભીર બેદરકારી અંગે ધ્યાન દોરતાં ખાતાકીય તપાસ શરૂ

શહેરમાં બિશ્નોઇ ગેંગ દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા પીસીબી શાખાએ ઉપરા છાપરી દરોડા પાડયા હતા અને સૂત્રધાર સહિત અનેકને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ગત જુલાઇ માસમાં પીસીબીની ટીમે નંદેસરી વિસ્તારમાં દરોડા પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપી પાડેલા 2 ઈસમો સામે ગોરવા પોલીસે નિયત સમયમાં ચાર્જશીટ નહીં મૂકતા આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયો હતો. શહેર પોલીસ વિભાગની ગંભીર બેદરકારી અંગે અદાલતે ધ્યાન દોરતાં ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

દારૂ વેચાણની પ્રવૃત્તિને નાથવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી પીસીબીએ અભિયાન શરૂ કર્યું હતું. અને બિશ્નોઇ ગેંગ દ્વારા શહેરમાં ઘુસાડવામાં આવતા કરોડો રૂપિયાના વિદેશી દારૂના નેટવર્કને ઝડપી પાડ્યું હતું. જેમાં સૂત્રધાર સહિત ગેંગના મોટાભાગના સભ્યોને ઝડપી પાડ્યા બાદ ગેંગ પુનઃ સક્રિય થતાં ગત જુલાઈ માસમાં નંદેસરી પોલીસ મથકની હદમાં દરોડો પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે કૈલાશ બિશ્નોઇ અને દિનેશ બિશ્નોઇ નામના બે આરોપીને ઝડપી પાડી મામલાની તપાસ ગોરવા પોલીસને સોંપી હતી.

લાંબા સમય બાદ પણ અદાલતમાં બંને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ નહિ કરવામાં આવતાં વકીલ મારફત આરોપીઓએ અદાલતમાં જામીન અરજી મૂકી હતી. કોર્ટ સમક્ષ શહેર પોલીસની બેદરકારી બહાર આવતા આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરી શહેર પોલીસનું આ અંગે ધ્યાન દોરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

દોષિત પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થશે : ડીસીપી
ડીસીપી ઝોન 1 જુલી કોઠીયાએ જણાવ્યું છે કે, વિદેશી દારૂના દરોડામાં 63 દિવસ બાદ પણ ગોરવા પોલીસે ચાર્જશીટ રજૂ નહિ કરતા આરોપી જામીન ઉપર મુક્ત થયા છે. આવી બેદરકારી રાખનાર ગોરવા પોલીસના કર્મચારી સામે તપાસ શરૂ થઈ છે. તેનો અહેવાલ આવ્યા બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ ડીસીપીએ ઉમેર્યું હતું.

આરોપીઓ સામે 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરવી પડે
આરોપીઓના વકીલ બી.જે ગીલે જણાવ્યું હતું કે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 167 મુજબ જન્મટીપ કે ફાંસીની સજાની જોગવાઈ ના હોય અને આરોપી 60 દિવસથી વધુ જ્યુડિશીયલ કસ્ટડીમાં હોય એવા ગુનામાં 60 દિવસમાં ચાર્જશીટ રજૂ થઈ નહિ હોવાથી આરોપીને જામીન ઉપર છૂટવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. અમારી માંગ અદાલતે મંજૂર રાખી છે.

અન્ય સમાચારો પણ છે...