MD ડ્રગ્સ ઝડપાયું:NCBએ કરજણ ટોલનાકા પાસેથી 2.99 લાખની કિંમતના 99 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના એક આરોપીની ધરપકડ કરી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇનોવા કાર મુંબઇથી અમદાવાદ જવા માટે ભાડેથી લેવામાં આવી હતી

અમદાવાદ NCBએ કરજણ ટોલનાકા પર વોચ ગોઠવીને મુંબઇ તરફથી આવતી કારમાંથી 2.99 લાખની કિંમતના 99 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

NCBએ બાતમીને આધારે કારને રોકીને ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ને બાતમી મળી હતી કે, મુંબઇથી એક શખસ ડ્રગ્સના જથ્થા સાથે વડોદરા તરફ આવી રહ્યો છે. જેને આધારે એનસીબીની ટીમે ગુરૂવારે રાત્રે કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી. આ સમયે મુંબઈ તરફથી આવી રહેલી એક ઇનોવા કારને એનસીબીના અધિકારીઓએ રોકી હતી અને કારમાં સવાર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા અસલમ અખ્તરખાન પઠાણના સામાનની તલાશી લેતા તેની પાસેથી 99 ગ્રામ MD ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. જેની કિંમત 2.99 લાખ રૂપિયા થાય છે.

કાર મુંબઇથી અમદાવાદ જવા ભાડેથી લીધી હતી
પોલીસ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને અમદાવાદના અસલમ અખ્તરખાન પઠાણની ધડપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઇનોવા કાર મુંબઇથી અમદાવાદ જવા માટે ભાડેથી લેવામાં આવી હતી.

ગુજરાત ATSએ બે મહિના પહેલા 16.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતું
બે મહિના પહેલા ગુજરાત ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અમાન મોહમદહનિફ શેખ(ઉ.20), (રહે, 19, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન(ઉ.19), (રહે, 3, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું 163 ગ્રામ MD/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

અઢી મહિના પહેલા પહેલા પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
અઢી મહિના પહેલા વડોદરા શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં વડોદરા શહેરના બહુચરાજી રોડ પર મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. પોલીસે 96,200 રૂપિયાની કિંમતનું શિડ્યુલ ડ્રગ્સ મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઈન્જેકશન પોલીસે જપ્ત કર્યાં હતા અને ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા તેમજ સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.