ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નવલ ઠક્કરને કોરોનાનો ‘નવો વેરિયન્ટ’ ! માસ્ક વગર પોલીસ-પરિવાર સાથે નજીકથી વાતચીત કરી શકે

વડોદરા6 દિવસ પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
 • કૉપી લિંક
SSGના કોરોના આઈસોલેશન વોર્ડની બારીમાંથી સંબંધી સાથે માસ્ક વગર નજીકથી વાત કરતો નવલ ઠક્કર - Divya Bhaskar
SSGના કોરોના આઈસોલેશન વોર્ડની બારીમાંથી સંબંધી સાથે માસ્ક વગર નજીકથી વાત કરતો નવલ ઠક્કર
 • દુષ્કર્મના આરોપી બિલ્ડરની SSGના આઈસોલેશન વોર્ડમાં સરભરા
 • પાછલી બારીની છૂટ : જાપ્તાના જવાન, હોસ્પિટલે આપેલી છૂટથી અનેક સવાલ

દુષ્કર્મના કેસના આરોપી નવલ ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સયાજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જોકે તે માસ્ક વિના જ વોર્ડમાં પોલીસ સાથે રહે છે. એટલું જ નહીં વોર્ડની બારીમાંથી પરિજનો સાથે માસ્ક વગર જ વાતચીત પણ કરે છે. જેને પગલે માસ્ક વગર પણ વાતચીત થઇ શકે તેવો કોરોનાનો નવો વેરિયેન્ટ નવલને થયો હોવાનું વોર્ડના અન્ય દર્દીઓ માને છે. પોલીસ તંત્ર અને હોસ્પિટલે આરોપીને આપેલી છુટછાટે અનેક સવાલો ઊભા કર્યા છે.

દુષ્કર્મ કેસમાં નવલ ઠક્કર શનિવારે રાત્રે ગોત્રી પોલીસમાં હાજર થયા બાદ તેનો કોરોનાનો રિપોર્ટ કઢાવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતાં તેને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યાં બિન્ધાસ્ત રીતે તે માસ્ક વિના રહે છે. તેની સાથેનો પોલીસ જવાન પણ માસ્ક વગર જ રહે છે અને જમાદાર રૂમની બહાર માસ્ક સાથે રહે છે. સોમવારે બપોરે અઢી વાગ્યે એક કાર આવી હતી. જેમાંથી ઊતરેલા મહાશયે નવલને બૂમ પાડતાં નવલે બારીમાંથી એવું કહ્યું હતું કે, બારીમાંથી જ વાત કરીશું તમે બધા અંદર ના આવો. ત્યારબાદ તે મહાશય અને નવલે 7 મિનિટ વાત કરી હતી. તે વેળા બન્નેવે માસ્ક પહેર્યું ન હતું.

તબીબ... નવલ માસ્ક ન પહેરે તો અમે શું કરીએ
SSGના આઇસોલેશન વોર્ડમાં નવલ ઠક્કર અને પોલીસ જવાન માસ્ક વિના હતા ત્યારે એક મહાશયે તબીબીને ફરિયાદ કરતાં તબીબે કહ્યું કે, ઇસમેં મેં કયા કરું? સિસ્ટમ ફોલો કરના ચાહીએ, નહીં માનતે તો મેં ક્યા કરું.

પોલીસ... અમારું કામ રક્ષણનું, માસ્ક વિશે કેવી રીતે કહીએ

 • ​​​​ભાસ્કર : નવલ ઠક્કરની તબિયત કેવી છે?
 • પોલીસ : હવે પહેલાં કરતાં સારી છે.
 • તેની સાથેનો જવાન પણ માસ્ક પહેરતો નથી?
 • પોલીસ : તે પહેરી લેશે.
 • બારીમાંથી નવલે પરિવારજનોએ વાત કરી ત્યારે કોઈએ માસ્ક પહેર્યું ન હતું?
 • પોલીસ : અમારું કામ આરોપીને રક્ષણ આપવાનું છે. માસ્ક વિશે અમે કેવી રીતે કહીએ.
 • તે માસ્ક કેમ પહેરતો નથી?
 • પોલીસ : તેમાં અમે શું કરીએ.
 • માસ્ક વગર તમારા જવાનને કોરોના નહીં થાય?
 • પોલીસ : ના અમે તો બહાર જ છીએ પછી કેવી રીતે કોરોના થશે.
 • બારીમાંથી વાત કરતી વેળાએ જવાને માસ્ક પહેર્યું ન હતું?
 • પોલીસ : તેને માસ્ક પહેરવાનું કહી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.

નવલ સાથે અંબાજી જનાર પિતરાઇ તેજસની ધરપકડ
દુષ્કર્મની ફરિયાદ બાદ નવલ પિતરાઈ તેજસ સાથે અંબાજી ગયો હતો તેની પણ ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, નવલે તેજસને કહ્યું હતું કે, દુષ્કર્મની ફરિયાદ મારી સામે થઇ છે, આપણે અંબાજી ભાગી જવાનું છે. એમ કહી તે તેજસને સાથે લઇ ગયો હતો.

માસ્ક વગર રહેતા નવલ અંગે પોલીસ તપાસ કરાશે
નવલ ઠક્કર અને તેની સાથેનો જવાન માસ્ક વિના વોર્ડમાં રહેતાં કેટલાક લોકોએ તબીબને ફરિયાદ કરી હતી. આ સંબંધે તપાસ કરાવીશું અને નવલ માસ્ક વગર કોરોના વોર્ડમાં કેવી રીતે રહે છે તેની પણ તપાસ થશે. > અભય સોની, DCP, વડોદરા​​​​​

અન્ય સમાચારો પણ છે...