VIP ટ્રીટમેન્ટ અપાતાં વિવાદ:નવલ ‘છટક’ બારીવાળી રૂમમાંથી બારી વિનાની ખૂણાની રૂમમાં શિફ્ટ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મના આરોપી નવલને અપાયેલી વીઆઈપી ટ્રીટમેન્ટનું પ્રકરણ
  • નવલ ઠક્કરનો કોરોના વેરિયન્ટ બદલાયો : પોલીસ માસ્કમાં દેખાઇ

દુષ્કર્મના આરોપી નવલ ઠક્કરનો કોરોના પોઝિટિવ આવતાં તેને સયાજીમાં આઈસોલેશન વોર્ડમાં રવિવારે દાખલ કરાયો હતો. જ્યાં તેને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતાં વિવાદ વકર્યો હતો. જેને પગલે નવલ ઠક્કરને રૂમની બારીમાંથી વાત ન કરી શકે તેવા અન્ય ખૂણાના વોર્ડમાં ટ્રાન્સફર કર્યો છે. પોલીસ તંત્ર અને હોસ્પિટલે આરોપીને દાખવેલી છુટછાટે પણ અનેક સવાલો ઊભા કર્યા હતાં. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તેને અન્ય રૂમમાં શિફ્ટ કર્યો હતો.

દુષ્કર્મ કેસમાં નવલ ઠક્કર શનિવારે રાત્રે ગોત્રી પોલીસ મથક ખાતે હાજર થયા બાદ પોલીસે તેનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં તેને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યાં બિન્ધાસ્ત રીતે નવલ અને તેની સાથેનો જવાન પણ માસ્ક વગર જ રહેતા હતા જ્યારે જમાદાર રૂમની બહાર માસ્ક સાથે હતો. તંત્રની મહેરબાનીથી નવલ ઠક્કર વોર્ડની બારીમાંથી પરિવારજનો અને મિત્રો સાથે બેરોકટોક વાત કરતો હતો. આથી વોર્ડના દર્દીઓને એવું લાગ્યું હતું કે, નવલ માસ્ક પહેર્યા વિના કોઈની સાથે પણ વાતચીત કરી શકે તેવા કોરોનાના નવા વેરિયેન્ટથી સંક્રમિત થયો છે. વિવાદ વકરતાં ટોચના પોલીસ અધિકારીઓએ સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડની મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપી હતી. જેથી મંગળવારથી તંત્ર દ્વારા નવલની છૂટછાટો બંધ કરાઇ હતી.

એક કાર વોર્ડ પાસે આવીને જતી રહી
મંગળવારે બપોરે આશરે 1.15 વાગ્યે એક સફેદ રંગની કાર આવી હતી. પણ નવલની રૂમ શિફટ થતાં કારમાં આવેલા મિત્રોને નવલ સાથે મુલાકાતની તક મળી ન હતી. વોર્ડના તબીબો પણ મંગળવારથી સ્ટ્રીક્ટ થઇ ગયા હતા.

જાપ્તાની પોલીસનું વલણ પણ બદલાયું, માસ્ક લગાવીને રૂમની બહાર બેઠી
રવિવાર અને સોમવારે નવલ ઠક્કરને મન મૂકીને છૂટ આપનાર પોલીસ જવાનોનું વલણ મંગળવારથી બદલાઈ ગયું હતું. નવલની રૂમમાં એકેય પોલીસ જવાન ન હતો અને રૂમની બહાર બેઠેલા જાપ્તાના પોલીસ જવાનો પણ માસ્ક પહેરીને ફરજ બજાવી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...