ડેન્ગ્યુ બન્યો જીવલેણ:નેશનલ જુડો ચેમ્પિયન બનેલી વડોદારાની આશાસ્પદ યુવતીનું મોત, ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી, પરિવારનું હૈયાફાટ રૂદન

વડોદરા3 મહિનો પહેલા
વડોદરામાં ફાટી નીકળેલા રોગચાળાએ આશાસ્પદ નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનો ભોગ લીધો.
  • ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ
  • દીકરી એક વર્ષની હતી ત્યારથી માતાએ તેને એકલા હાથે મોટી કરી હતી

જીવલેણ કોરોનાની મહામારીની વચ્ચે ફાટી નીકળેલા રોગચાળાએ વડોદરાની આશાસ્પદ નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનો ભોગ લેતાં હાહાકાર મચી ગયો છે. જોકે ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પરિવારે પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે અમને ખબર છે કે અમને ન્યાય મળશે નહીં. મૃત્યુ પામેલી યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી.

ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ
વડોદરા શહેરના આજવા રોડ ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સયાજી ટાઉનશિપમાં રહેતી અને ઝારખંડ ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી 19 વર્ષીય સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત થતાં રમતગમતક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન રાવલ સાથે રહેતી હતી. મા-દીકરી નોકરી કરીને સુખમય જીવન પસાર કરી રહ્યાં હતાં.

મૃત્યુ પામેલી યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી.
મૃત્યુ પામેલી યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી.

તાજેતરમાં યુવતી NCC કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી
ડેન્ગ્યુ તાવમાં મોતને ભેટેલી સાક્ષીના મામા ભાવિન રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાક્ષી રાવલ NCC કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું, જેથી તેમણે તેમના ફેમિલી ડોક્ટર પાસેથી દવા લીધી હતી. તબિયત વધુ બગડતાં ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્શન આવ્યું હતું. તબિયત વધુ લથડતાં તેને સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા, જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ થઈ હતી. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતાં અમે ત્યાં લઇ ગયા હતા, જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં યુવતીનો ભોગ લીધો હોવાનો આક્ષેપ
ભાવિન રાવલે આક્ષેપ કર્યો હતો કે ફેમિલી ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં સાક્ષીનો ભોગ લીધો હતો. સામાન્ય રીતે દર્દીને ચઢાવવામાં આવતી બોટલ એક કલાકમાં પૂરો થાય, પરંતુ ડોક્ટરને ક્લિનિક બંધ કરવાનું હોવાથી સાક્ષીને ચઢાવેલી બોટલ અડધો કલાકમાં પૂરો કરી તેઓ ક્લિનિક બંધ કરી રવાના થઇ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથડવા માંડી હતી, જેથી તરત જ તેને સંગમ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મારી ભાણી સાક્ષીનું મોત તબીબોની નિષ્કાળજીથી થયું છે.

રમતગમતક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ.
રમતગમતક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ.

યુવતી અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી
સાક્ષીના જુડો-કોચ વાસુદેવભાઇ કદમે જણાવ્યું હતું કે સાક્ષી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. નોકરીમાંથી મળતી આવકમાંથી તે માતાને મદદરૂપ થવા સાથે જુડોમાં આગળ વધવા માટે ખર્ચ કરતી હતી. પહેલવાન નારાયણ ગુરૂ આદ્ય વ્યાયામ શાળામાં છેલ્લાં સાત વર્ષથી હું તેને જુડોની તાલીમ આપી રહ્યો હતો. હાલ તે જુડોમાં માર્શલ આર્ટ (કુરશા) સુધી પહોંચી ગઇ હતી.

નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
વર્ષ-2019માં ઝારખંડ ખાતે યોજાયેલી નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત તેણે સ્ટેટ લેવલની જુડો કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેની ઇચ્છા ઓલિમ્પિકમાં રમવાની હતી અને તે તેના માટે રાત-દિવસ મહેનત કરતી હતી. જુડોમાં તેનું અદભુત ટેલન્ટ હતું.

ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ.
ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ.

માતાએ દીકરીને એકલા હાથે મોટી કરી હતી
ગાયત્રીબહેન રાવલે સાક્ષી એક વર્ષની હતી ત્યારથી એકલ હાથે મોટી કરી હતી. કોન્ટ્રેક્ટમાં નોકરી કરતાં ગાયત્રીબહેનને દીકરી સાક્ષી ઓલિમ્પિકમાં રમે અને દેશનું નામ રોશન કરે એવી ઇચ્છા હતી, પરંતુ તાવ અને તબીબોની નિષ્કાળજીને કારણે એકની એક દીકરી સાક્ષીનું મોત નીપજતાં ગાયત્રીબહેન પર આભ ફાટ્યું હતું. માતા ગાયત્રીબહેનના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. એ સાથે સાક્ષીના મામા ભાવિનભાઇ અને સાક્ષીના જુડો-કોચ વાસુદેવભાઇ કદમના રુદને ગમગીની ફેલાવી દીધી હતી.

દીકરી એક વર્ષની હતી ત્યારથી માતાએ તેને એકલા હાથે મોટી કરી હતી.
દીકરી એક વર્ષની હતી ત્યારથી માતાએ તેને એકલા હાથે મોટી કરી હતી.

શહેરમાંથી એક દિવસમાં તાવના 394 કેસ મળ્યા
શહેરમાં વાઇરલ સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો વાવર ફેલાયો છે અને ગુરુવારે 1 દિવસમાં ઝાડાના વધુ 42,ઝાડા ઉલ્ટીના સાત અને તાવના 394 દર્દી મળી આવ્યા હતા.મ્યુ.કમિશનરે શુક્રવારે આરોગ્ય વિભાગની રિવ્યુ બેઠક બોલાવી છે. ચાલુ વર્ષમાં આજદિન સુધીમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 1019 સેમ્પલ પૈકી 127 પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.જ્યારે શંકાસ્પદ ચિકનગુનિયા માટે 444 સેમ્પલ પૈકી 60 પોઝિટિવ આવ્યા હતા.આ સિવાય 35 મેલેરિયા ના અને ચાર ઝેરી મેલેરિયા ના કેસ પણ નોંધાયા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં જ તાવના 1722 કેસ મળી આવ્યા છે.