શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન પાસેથી બાઈક ઉપર જઈ રહેલા 30 વર્ષીય યુવાનનુ પતંગની દોરીથી ગળું કપાતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં થોડી ક્ષણોમાં સારવાર દરમિયાન તેનુ કરુણ મોત નિપજ્યું હતુ. મૃતક યુવાન નેશનલ કક્ષાએ હોકી પ્લેયર હોવાનું અને નેશનલ કક્ષાએ રમી આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા રાહુલ બાથમ ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. રવિવારે બપોરે માતાને આવું છું કહીને ઘરેથી નીકળેલા રાહુલને છ વાગ્યાના અરસામાં નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થતી પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ગળું પતંગના દોરાથી ખૂબ અંદર સુધી કપાઈ ગયું હતું. બનાવને પગલે 108 દ્વારા સ્થાનિક લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે નંબર પ્લેટ પરથી એડ્રેસ મેળવી ઘરે જાણ કરી
નવાપુરા પોલીસે બાઈકની નંબર પ્લેટ પરથી એડ્રેસ શોધી ઘટના અંગે બાથમ પરિવારને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા જ તેમના માતા અને સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે અમદાવાદ ખાતે પરણાવેલી તેમની બહેન પણ વડોદરા આવવા માટે રવાના થઈ હતી.
SSGના કર્મચારીને 7 દિવસ પહેલાં 9 ટાંકા આવ્યા હતા
હોસ્પિટલના એમએલઓ દ્વારા જાણવા મળ્યા મુજબ ઓફિસની ઉપર ક્લાર્ક તરીકે પહેલા માળે ફરજ બજાવતા રતિલાલ રાઠવાને 7 દિવસ પહેલા પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમને નવ ટાંકા લેવા પડ્યા હતા. સદ્નસીબે તેમણે વચ્ચે હાથ નાખતા દોરાથી વધુ ઇજા થતા અટકી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.