મુલાકાત:સ્માર્ટ સિટીના નેશનલ સ્ટેટ ડાયરેક્ટરે વડોદરામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ અને સુરસાગર તળાવની મુલાકાત લીધી

વડોદરા10 મહિનો પહેલા
સુરસાગર તળાવના બ્યુટીફિકેશનની મુલાકાત લીધી.
  • તૈયાર પ્રોજેક્ટ કેવી રીતે રેવન્યૂ મોડેલ બને તે માટેની આગામી દિવસોમાં કામગીરી થશે

વડોદરા શહેર સ્માર્ટ સિટીના નેશનલ સ્ટેટ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલે આજે વડોદરા સ્માર્ટ સિટી કંપની દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી. બાદમાં તેઓએ જે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા છે તે કેવી રીતે રેવન્યૂ મોડેલ બને તે માટેની આગામી દિવસોમાં કાર્યવાહી કરવી પડશે તેવું સુચન કર્યું હતું. તેઓએ વડોદરામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ અને સુરસાગર તળાવના બ્યુટીફિકેશન જેવા અનેક પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી. તેઓની સાથે ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ મનીષ ભટ્ટ, રાજેશ ચૌહાણ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

સુરસાગર તળાવના બ્યુટીફિકેશનના વખાણ કર્યા
રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 20 વર્ષ પહેલા જ્યારે સુરસાગર તળાવ જોયું હતું તે બાદ હાલમાં જે રીતે બ્યુટીફીકેશન થયું છે તે જોતા ખૂબ જ અલગ સુસાગરની સુંદરતા દેખાય રહી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેક્ટમાં વિવિધ વિભાગો પણ તેમાં જોડાઇ અને તેની ઓનરશીપ મેળવે જેથી તેઓના કામની સરળતા રહેશે અને પ્રજાને જરૂરી સુવિધા પ્રાપ્ત થશે.

નાના પ્રોજેક્ટને પણ અમલમાં મુકવામાં આવશે
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લોકોને પસંદ હોય અને ટેકનોલોજી દ્વારા લોકોનું જીવન શાંત બને તે માટેના વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, ઓટોમેટિક સિગ્નલથી સમય અને બળતણની બચત થઈ રહી છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દરેક શહેર પાસેથી 75 કલાકમાં લોકોની સુવિધાના પ્રોજેક્ટ મગાવ્યા હતા. તેમાં અનેક પ્રોજેક્ટ લોકો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડર માટે તેમજ નાના બાળકો માટેની સુવિધા પ્લે એરિયા તેમજ ફ્લાયઓવર નીચે પણ વિવિધ કામગીરી થઇ શકે છે. પ્રોજેક્ટ ભલે નાના હોય પરંતુ લોકોની સુવિધા માટે હોય તેવા પ્રોજેક્ટ પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.