વડોદરા મહાનગરપાલિકાએ આવાસ મકાનોના કરેલા ડ્રોની યાદી બદલીને કૌભાંડ આચરવાનો મામલો વધુ વિવાદિત બની રહ્યો છે. નર્મદા વિકાસ રાજ્યમંત્રી મંત્રી યોગેશ પટેલે અધિકારીઓને ભ્રષ્ટાચારી કહેતા વિવાદ ઊભો કર્યો છે.
બે-પાંચ અધિકારી ઘરભેગા થશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશેઃયોગેશ પટેલ
નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, આનો અંત હોતો નથી. અધિકારીઓ વારંવાર ભ્રષ્ટાચાર કરતા હોય છે, આવા અધિકારીને સસ્પેન્ડ કરવો જોઇએ. તેમની સામે તપાસ થવી જોઇએ બે-પાંચ અધિકારી ઘરભેગા થશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે પણ આ વાત પહોંચી છે, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, આમા સસ્પેન્ડ કરો, સંપૂર્ણ તપાસ થવી જોઇએ.
સિટી એન્જિનિયર ફરિયાદ નોંધવી હતી
રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થતાં ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના 7 ઓગસ્ટના સયાજીરાવ નગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી યોગેશ પટેલે આવાસના 382 મકાનોનો ડ્રો કર્યો હતો. જેની યાદી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એમઆઇએસ એક્સપર્ટ નિશિત પીઠવાએ એક કલાકમાં જ બદલી નાખી અને ઓનલાઇન મૂકી દીધી હતી. જેમાં 42 મકાનોના લાભાર્થીઓના નામ બદલી નાખ્યાં, જે મામલે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે બંને અધિકારીઓની પૂછપરછ કરવા અટકાયત પણ કરી હતી.
કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને આજે સસ્પેન્ડ કરાશે
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને આજે સસ્પેન્ડ કરાશે, તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં સસ્પેન્ડની દરખાસ્ત મંજૂર કરાશે તેમજ અધિકારી પ્રમોદ વસાવા સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. એમઆઇએસ ઓપરેટરને પણ તાત્કાલિક ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી
આ કૌભાંડ મામલે પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ આંચકીને ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા પર કોઇ રાજકીય નેતાનું દબાણ હોવાની વાત સામે આવી છે, ત્યારે શું પોલીસ તપાસમા રાજકીય નેતાનું નામ સામે આવશે કે, સમગ્ર મામલો અભરાઈએ ચઢાવી દેશે તે આગામી સમયમાં ખબર પડશે.
જ્યાં સુધી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ફાળવણી પર બ્રેક
કૌભાંડને પગલે 156 આવાસોની ફાળવણી પર બ્રેક વાગી છે અને જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી કોઈને પણ ફાળવણી નહીં કરવાનો આદેશ અપાયો છે. આવાસ યોજનાની કચેરીમાં ફાળવણી વાળા કોઈના પણ નાણાં નહીં સ્વીકારવાની સૂચના આપી દેવામાં આવી છે.
કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના કહેવાથી ફેરફાર કર્યો
એમઆઇએસ એક્સપર્ટ નિશિતને પૂછતા કબૂલાત કરી હતી કે, કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના કહેવાથી ફેરફાર કર્યો છે અને પ્રમોદ વસાવાએ મેયર પાસે એવી કબૂલાત કરી હતી કે ભૂલ થઈ છે પણ પ્રેશર હોવાથી નામોમાં ફેરફાર કર્યો છે. ભૂતકાળમાં જી 40ના કૌભાંડમાં પણ પ્રમોદ વસાવાનું નામ ખૂલ્યું હતું. પ્રમોદ વસાવાની સરભરામાં કેટલાક કોન્ટ્રાક્ટર પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.