ગણેશ વિસર્જન:વડોદરામાં ગણેશ વિસર્જન માટે 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે, મેયર કેયુર રોકડિયાએ સામાન્ય સભામાં જાહેરાત કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના મેયર કેયુર રોકડિયા - Divya Bhaskar
વડોદરાના મેયર કેયુર રોકડિયા
  • રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન ચુસ્તપણે પાળીને તહેવારો ઉજવવા મંત્રીએ લોકોને અપીલ કરી

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ આજે સામાન્ય સભામાં કરી જાહેરાત હતી કે, વડોદરામાં ગણેશ વિસર્જન માટે 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. કોપોરેટર શ્રીરંગ આયરે અને બાળ સુર્વેએ કૃત્રિમ તળાવ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું આ પહેલા નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વડોદરાના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો ઉભા કરવા મેયરને સૂચન કર્યું હતું. તેની સાથે લોકો અને સંસ્થાઓને રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન ચુસ્તપણે પાળીને તહેવારો ઉજવવા અને કોવિડ નિયમનમાં સહયોગ આપવાની અપીલ કરી હતી.

મંત્રી યોગેશભાઈએ તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રૂબરૂ મુલાકાત કરીને વડોદરા શહેર અને રાજ્યમાં તાજીયા અને ગણેશ સ્થાપન તથા વિસર્જન બાબતે ચર્ચા કરી હતી. 20 ઓગષ્ટે રાજ્ય અને વડોદરા શહેરમાં મહોરમનો તહેવાર ઉજવાયો. તે દિવસે તાજીયા વિસર્જિત એટલે કે ઠંડા કરવાના હતા. પરંતુ, વિવિધ વિસ્તારોમાં સ્થાપિત તાજીયા જળ વિસર્જન શક્ય ન બનતાં ચાર દિવસથી સરસીયા તળાવ, તાંદલજા વિગેરે વિસ્તારમાં રોડ પર મૂકી રાખવામાં આવ્યા હતા.

આ બાબતે જાવેદ બાપુ, ચિરાગ શેખ અને અગ્રણીઓ તથા મુસ્લિમ બિરાદરોએ રાજ્યમંત્રી યોગેશ પટેલને રજૂઆત કરી હતી. આ બાબતે યોગેશ પટેલએ ગૃહ રાજ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત લઇ ચર્ચા કરતાં ગૃહ મંત્રીએ વડોદરા પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી અને મંગળવારે જ ફતેપુરા, નવાપુરા, મચ્છીપીઠ, વાડી, નાગરવાડા સહિતના તાજીયા સરસીયા તળાવ ખાતે તેમજ તાંદલજા અને અન્ય વિસ્તારોના તાજીયા સિંધરોટ પાસે ઠંડા કરવામાં આવ્યા હતા, જેથી મુસ્લિમ બિરાદરોમાં તાજીયા ઠંડા કરવા બાબતે જે રોષ હતો તે દૂર થયો અને હર્ષની લાગણી ફેલાઇ છે.

તેવી જ રીતે અગાઉ ગણેશ સ્થાપન અને વિસર્જન બાબતે પણ તેમની ઉચ્ચકક્ષાએ ચર્ચા થઇ હતી. જેના પગલે રાજ્ય સરકારે ગાઇડલાઇન નક્કી કરવાની સાથે તહેવાર દરમિયાન રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટનો આવકાર્ય નિર્ણય લીધો છે. તે બદલ તેમણે રાજ્યના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીનો હાર્દિક આભાર માન્યો છે.

યોગેશભાઇએ વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય જીતુ સુખડીયા, મનીષાબેન વકીલ અને સીમાબેન મોહિલે સાથે ગણેશ સ્થાપન અને વિસર્જન બાબતે વિચાર વિમર્શ કર્યો હતો. ચર્ચા થયા મુજબ સરકારે કોર કમિટીમાં જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે. તેમ યોગેશ પટેલે જણાવ્યું હતું. આજે મેયર કેયુર રોકડિયાને વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ કે અન્ય વ્યવસ્થા ઉભી કરવા રાજ્યમંત્રી યોગેશ પટેલે સૂચન કર્યું હતું.

ગણેશ પંડાલ મહત્તમ 300 ચોરસ ફૂટનો રાખી શકાશે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગણેશોત્સવની ઉજવણીને વધુ સુવિધાજનક બનાવવા ગણેશ પંડાલની મહત્તમ સાઇઝ નિર્ધારિત કરવાની કરેલી રજૂઆતને પણ સફળતા મળી છે. રાજ્ય સરકારે અગાઉ શ્રીજીની પ્રતિમા મહત્તમ 4 ફૂટની સ્થાપિત કરી શકાશે એવો નિર્ણય લીધો જ છે. બેઠકમાં ચર્ચાને અંતે ગણેશ પંડાલનું માપ 15 બાય 20 એટલે કે મહત્તમ 300 ચોરસ ફૂટ રાખી શકાશે એવું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રીએ આ નિર્ણયની વડોદરા શહેરના પોલીસ કમિશનરને પણ જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...