તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Narmada Dam Is Still 20 Meters Empty Than Last Year, With Less Than 50 Per Cent Water In The Dam And Irrigation Water Will Be Available Till The End Of August

ગુજરાતમાં જળસંકટનાં એંધાણ:નર્મદા ડેમ ગત વર્ષ કરતાં હજી 20 મીટર ખાલી, ડેમમાં 50 ટકાથી ઓછું પાણી, ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે

કેવડિયાએક મહિનો પહેલા
  • ડેમમાં 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષિત રાખવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કર્યો છે

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી, જ્યારે આજે 25 ઓગસ્ટ-2021ના રોજ નર્મદા ડેમની સપાટી 115.81 મીટર જ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને બેઠા છે.

ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે
સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી, જોકે આ વર્ષે હાલત કંઇક જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતો મોસમ વિભાગ પણ ચિંતામાં છે, કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યારસુધીનો માત્ર 487 મિમી વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ ખૂબ પડ્યો છે, પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે.

નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઈ ગઈ
હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ ગઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર 41220 ક્યૂસેક થઇ રહી છે, જ્યારે જાવક 13138 ક્યૂસેક થઇ રહી છે, એટલે હાલ છેલ્લા 12 કલાકમાં માત્ર 7 સેમીનો વધારો નોંધાયો છે, જે એકદમ નહીંવત્ ગણાય, એટલે ઉપરવાસના કેચમન્ટ વિસ્તારમાં સારા વરસાદની આશા રાખી હાલ નર્મદા નિગમના અધિકારીઓ બેઠા છે.

હજી વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે
નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે, પરંતુ જો હજી વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે, 2018માં જ્યારે નર્મદા બંધની જળસપાટી 110 મીટર ગઈ હતી ત્યારે ઇરિગેશન બાયપાસ ટનલ(IBPT ટનલ) ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતાં નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. પાણી ડેમમાં ઓછું હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટ અંત સુધી જ સિંચાઈનું પાણી મળે એવી શક્યતા છે.

નર્મદા ડેમમાં હાલ 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે
નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઊભા થવાની શક્યતાઓ છે. ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી 0.55 MAF (એકર ફૂટ) એટલે 11 ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઇ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઊભા થયા છે.

રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની જશે
નર્મદા ડેમમાંથી ઉદ્યોગોને રોજ 125 ક્યૂસેક પાણી અપાય છે. રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે. ત્યારે હાલ તો ગુજરાતની જીવાદોરી માથે જળસંકટ તોળાઈ રહ્યું છે. જો વરસાદ હજુ ખેંચાયો તો રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની જશે.

ગત વર્ષની સરખામણીમાં નર્મદા ડેમ 20 મીટર જેટલો ખાલી છે
ગત વર્ષે આજની તારીખની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા બંધની જળસપાટી 135.30 મીટરની હતી અને એક લાખ ક્યૂસેક પાણીની આવક હતી, કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ સારો પડ્યો હતો, પરંતુ હાલમાં બિલકુલ વરસાદ નથી, એટલે આવક પણ ઓછી છે. ગત વર્ષની સરખામણીમાં નર્મદા ડેમ 20 મીટર જેટલો ખાલી છે. એટલે હવે તંત્રની પણ ચિંતા વધી છે. ત્યારે તંત્ર સારા વરસાદની રાહ જોઇને બેઠું છે.

છેલ્લા 5 વર્ષમાં સપ્ટેમ્બર માસમાં પડેલો વરસાદ

વર્ષ(સપ્ટેમ્બર)સરેરાશ વરસાદ
20164 ઈંચ
20172 ઈંચ
20181.5 ઈંચ
201913 ઈંચ
20205 ઈંચ

(અહેવાલઃ પ્રવીણ પટવારી, રાજપીપળા)