સૂચના:કોર્પોરેટરના પિતા નરેશ રાણાને કામમાં ચંચૂપાત ન કરવા તાકીદ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપ પ્રમુખ બાદ મેયરે પણ સૂચના આપી
  • સુપરવાઇઝર પર હુમલાના બનાવમાં આખરે સમાધાન કરાયું

વોર્ડ નંબર 7 નાં કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ સફાઈ મુદ્દે સુપરવાઇઝરની સાથે ગેરવર્તણૂક કરી જાતિ વિષયક અપમાન કરતાં હોબાળો મચ્યો હતો. વિવાદ વધતાં ભાજપ શહેર પ્રમુખ બાદ મેયરે કાઉન્સિલરના પિતાએ હવેથી કોઈ કામમાં ચંચૂપાત નહિ કરવા અને અધિકારીઓને તેમની કોઈ વાત નહિ સાંભળવા સૂચના આપી સમાધાન કરાવ્યું હતું.

વોર્ડ 7ના સુપરવાઈઝર સાથે ગાળાગાળી કરી જાતિ અપમાનિત શબ્દો બોલનાર ભાજપનાં મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાના વિવાદમાં સમાધાન થયું છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં સફાઈ નહીં થતાં સુપરવાઇઝર બાબુભાઈ સાથે ભાજપનાં મહિલા કોર્પોરેટરના પિતા નરેશ રાણાએ તેઓ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી.

નરેશ રાણાએ સુપરવાઇઝર બાબુભાઈ સાથે ધક્કા મુક્કી કરતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ વોર્ડના સફાઈ કામદારોએ એકત્ર થઈને વિરોધ કરવાની સાથે કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અરજી આપી કાર્યવાહીની માગ કરી હતી.

આ મામલો શહેર સંગઠન સુધી પહોંચતાં પ્રમુખ ડો. વિજય શાહે પણ કાઉન્સિલરની કામગીરીમાં દખલગીરી નહિ કરવા સૂચના આપી હતી. બીજી તરફ સફાઇ કામદારોની એક મંડળી દ્વારા સમાધાન કરવા માટેની કવાયત હાથ ધરાઈ હતી. જોકે વારંવાર થતા આવા બનાવો બાદ પોલીસ ફરિયાદ કરવા અને જો કાર્યવાહી નહિ થાય તો હડતાળ પર ઊતરી જવા સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી.

મોડી સાંજે સફાઈ કામદારોના આગેવાનોએ મેયર કેયુર રોકડિયા સાથે બેઠક કરી હતી. જેમાં કાઉન્સિલરના પિતા નરેશ રાણાએ કોઈ ચંચૂપાત કરવી નહીં તેમજ વોર્ડના અધિકારીઓને કાઉન્સિલરના પિતાની કોઈ સૂચનાને નહીં ગણકારવા સ્પષ્ટ સૂચના આપી હતી.

અરજી બાદ કાર્યવાહી ન થતાં સફાઈ કર્મીઓનો પોલીસ સ્ટેશનને ઘેરાવો
સફાઈ કર્મચારી સાથે ભાજપનાં કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાએ ખરાબ વર્તણૂક કરતાં સફાઈ કર્મચારીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા પહોંચ્યા હતા. જે બાદ પણ પોલીસે કોર્પોરેટરના પિતા સામે કોઈ કાર્યવાહી ન કરતાં સફાઈ કર્મચારીના એક જૂથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જો 24 કલાકમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ હડતાળ પર ઊતરશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...