નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામની 17 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વિદ્યાર્થીની બે વિષયમાં નાપાસ થતાં ફાસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટેલી વિદ્યાર્થીના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેની લાશ પરિવારને સોંપવામાં આવી હતી.
ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો
નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. દરમિયાન તાજેતરમાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં તે બે વિષયમાં નાપાસ થઈ હતી. જેથી તેણીને લાગી આવતા તેની એ ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન બનાવની જાણ તેના પરિવારજનોને થતાં તુરંત જ વિદ્યાર્થીનીને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યો
આ બનાવથી પરિવામા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને રાજપીપળા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિવારને મૃતદેહ સોપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.